વડોદરામાં નર્સે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી

Rudra
By Rudra 1 Min Read

વડોદરા : ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી 23 વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગોરવા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના કોંઠા ગામ ફુલબારિઆના મુવાડામાં રહેતી 23 વર્ષની નિશા જ્યંતિભાઇ બારિયા નર્સ છે. છેલ્લા એક વર્ષથી તે ભાઇલાલ અમીન હોસ્પિટલમાં કામ કરતી હતી અને ગોરવા રિફાઇનરી રોડ પર એલેમ્બિક કોલોનીમાં રહે છે. તેની સાતે અન્ય સાત યુવતીઓ પણ રહેતી હતી. નાઇટ ડયૂટી કરીને આવીને તે ઘરે સૂતી હતી. તેની સાથે રહેતી યુવતી ગઇકાલે રાતે આઠ વાગ્યે નોકરી પરથી છૂટીને ઘરે આવી ત્યારે તેણે નિશાને ગળા ફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી.

નિશાને નીચે ઉતારીને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. જે અંગે ગોરવા પોલીસને જાણ કરવામાં આવતા સ્થળ પર જઇ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમા નિશાએ લખ્યું હતું કે, મારા આ પગલાની પાછળ કોઇ જવાબદાર નથી. હું જાતે જ આ પગલું ભરી રહી છું. પોલીસે તેનો મોબાઇલ ફોન પણ તપાસ માટે કબજે લીધો છે. નર્સના આપઘાતનું કારણ જાણી શકાયું નથી.

Share This Article