નવી દિલ્હી : ઓરિસ્સામાં શુક્રવારના દિવસે ત્રાટકેલા વિકરાળ તોફાન ફેનીથી નુકસાનને ટાળી દેવામાં તંત્ર સફળ રહ્યુ છે. તોફાન ફેનીના પ્રકોપનો સામનો કર્યા બાદ તમામ નિષ્ણાંતોમાં ચર્ચા જોવા મળી રહી છે. નવા વોર્નિગ સિસ્ટમ અને યુદ્ધ સ્તર પર કરવામાં આવેલી તૈયારીના કારણે ફેનીના કારણે જેટલુ નુકસાન થવાની દહેશત હતી તેટલુ નુકસાન થયુ નથી. અસરકારક વોર્નિગ સિસ્ટમ અને યુદ્ધ સ્તરની તૈયારીથી ફાયદો થયો છે. આના કારણે હજારો લોકોની જાન બચી ગઇ છે. ઓરિસ્સામાં આઠ લોકોના મોત થયા છે. તોફાનની ગંભીરતાને જોતા આ આંકડો ખુબ ઓછો કહી શકાય છે.
કારણ કે આ પહેલા આવેલા આવા જ ભીષણ તોફાનમાં ૧૦ હજાર લોકોના મોત થયા હતા. ભારતીય હવામાન વિભાગની નવી અસરકારક અને જોરદાર સિસ્ટમ, કેન્દ્ર અને રાજય સરકારો વચ્ચે ખુબ શાનદાર તાલમેળ અને એનડીઆરએફની ટીંમોની ગોઠવણના કારણે આ નુકસાન ટળી ગયુ છે. ફેનીની હદમાં આવેલા વિસ્તાર બચી ગયા છે તેવુ નથી. પુરીમાં કાચા મકાનોને નુકસાન થયુ છે. વીજળી અને દુરસંચાર વ્યવસ્થા ઠપ્પ થઇ ગઇ છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. અર્થતંત્રને તો મોટુ નુકસાન થયુ છે. જો કે માનવીની દ્રષ્ટિએ ઓછી નુકસાન થયુ છે. હાલમાં તોફાનના સકંજામાં આવી ગયેલા ૧૬૦ લોકો સારવાર હેઠળ છે.
ડીએમ અને એસપીના આવાસને પણ નુકસાન થયુ છે. ઓક્ટોબર ૨૦૧૩ અને ઓક્ટોબર ૨૦૧૪માં આવેલા ફેલિન અને હુડહુડ તોફાનને લઇને સફળ ઓપરેશન બાદ કેન્દ્રિય એજન્સીઓ પહેલાથી જ સાવઘાન હતી. કેન્દ્રિય સંસ્થાઓ અને રાજ્ય સરકારની મદદથી લાખો લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા હતા. વિજ્ઞાન મંત્રાલયના સેક્રેટરી માધવન રાજીવને કહ્યુ છે આઇએમડીની આ ખુબ મોટી સફળતા છે. આ મોટા સંકટને ટાળી દેવામાં તંત્ર સફળ રહ્યુ છે.