ઉત્તર પ્રદેશના અલીગઢની રહેવાસી રૂબી આસિફ ખાને તમામ ધમકીઓને ગણકાર્યા વિના આજે ગણેશ વિસર્જન કર્યું હતું. રુબી આસિફ ખાને તેના પતિ અને બે મુસ્લિમ મહિલાઓ સાથે બુલંદશહેરના નરોરા નરવર ઘાટ પર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યું તેમજ હાથ જોડીને પૂજા પણ કરી. રુબી આસિફ ખાન તેની હિન્દૂ ધર્મની પૂજા-અર્ચનાને લઈને ઘણીવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે.
રુબી આસિફ ખાન લાંબા સમયથી હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરે છે, જેના માટે તેને સમાજની બહાર કરી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે અને તેની આસપાસના લોકો તેને હિંદુ મહિલા કહે છે. અલીગઢમાં ઘરે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કર્યા બાદ મૌલાનાના નિશાના પર આવેલી રૂબી આસિફ ખાને સવારે પહેલા ગણેશજીની પૂજા કરી અને પછી મૂર્તિ સાથે નરોરા જવા રવાના થઈ. આ દરમિયાન તેમને સુરક્ષા આપવા માટે ઘણા પોલીસકર્મીઓ તેઓ સાથે હાજર હતા.
રુબીએ કહ્યું હતું કે, “મેં ૩૧મી તારીખે, ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરી હતી, ત્યારબાદ મારી વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. મૌલાનાએ કહ્યું કે હું હિંદુ બની ગઈ છું, તેથી તેને ઇસ્લામમાંથી બહાર ફેંકી દો અને તેના પરિવારને જીવતો સળગાવીને મારી નાંખો. હું જ્યારે બહાર જાઉં છું ત્યારે લોકો મારા પર ઉલટી-સીધી કોમેન્ટ કરે છે કે “જો હિંદુ જઈ રહી છે”, પણ હું ફતવાઓ અને મૌલાનાઓથી ડરતી નથી. રુબી અને તેના પતિ આસિફ ખાન સાથે વિસર્જન માટે આવીને ઘણી મહિલાઓએ તેને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ પહેલેથી જ તેની સાથે છે અને ભવિષ્યમાં પણ તેને સમર્થન આપશે. પછી ભલે કોઈ રુબી સામે ફતવો જારી કરે. રુબી આસિફ ખાનની પડોશમાં રહેતા ફારૂકે જણાવ્યું કે અમને રુબી આસિફ ખાનની પૂજાથી કોઈ વાંધો નથી અને અમે રુબીના ઘરની સામે જ રહીએ છીએ. તે તેના ઘરની અંદર શું કરે છે તેની અમને ખબર નથી. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમને મૂર્તિની સ્થાપના વિશે થોડા દિવસો પહેલા જ ખબર પડી હતી.