જિલ્લા કલેકટરશ્રીની (અમદાવાદ) અનુસાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) વર્ગ-૩ (જા.ક્રમાંકઃ૧૨/૨૦૨૨૨૩)ની પરીક્ષા તા.૦૯/૦૪/૨૦૨૩ના રોજ યોજાનાર છે.
પરીક્ષા સંદર્ભે ખાસ જણાવાયું છે કે તમામ પરીક્ષાર્થીઓએ સંદેશ વ્યવહારનો ઉપયોગ થઈ શકે તેવા કોઈ પણ પ્રકારનાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ડિવાઈસ, મોબાઈલ ફોન, લેપટોપ તેમજ લાઈટર, માચીસ વગેરે સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરી શકશે નહીં.
તેમજ કોઈ પણ મૂલ્યવાન ચીજવસ્તુઓ સાથે રાખી શકશે નહીં અને આવી ચીજવસ્તુઓ ગુમ થવા કે ચોરાઈ-ખોવાઈ જવાથી પંચાયત સેવા પસંદગી મંડળ જવાબદાર રહેશે નહીં, જેની સંબંધકર્તાઓએ નોંધ લેવી.
જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોએ કોલલેટરમાં દર્શાવેલ સૂચનોનું ચુસ્તપણે પાલન કરવા જણાવામાં આવ્યું છે.
વધુમાં, ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં સર્વાનુમતે પસાર કરવામાં આવેલ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન (પ્રોવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ, ૨૦૨૩ અંતર્ગત પેપર લીક જેવા ઓર્ગેનાઇઝડ ક્રાઈમ કરવા બદલ મહત્તમ ૧૦ વર્ષની જેલ તથા રૂ. એક કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવેલ છે.
જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ ઃ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.
૯ એપ્રિલ, રવિવાર ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજાનાર છે. જે અન્વયે અમદાવાદ જિલ્લામાં આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સમ્પન્ન થાય એ માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવેની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા સેવાસદન ખાતે પરીક્ષા સાથે સંબંધિત તમામ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે.એ પરીક્ષા માટેની તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ અંગે ઝીણામાં ઝીણી વિગતો મેળવીને સંબંધિત તમામ અધિકારીશ્રીઓને કોઈ પણ બાબતની અવ્યવસ્થા ન સર્જાય કે અનિચ્છનીય ઘટના ન બને એ માટે સૂચના આપી હતી. પરીક્ષા આપનાર એક પણ ઉમેદવારને ચેકિંગ કર્યા વિના પરીક્ષા કેન્દ્રમાં જવા દેવામાં ન આવે, એવી સૂચના આપવા સાથે કલેક્ટર એ મહિલા ઉમેદવારોનું મહિલા પોલીસકર્મીઓ દ્વારા ગરિમાપૂર્ણ રીતે ચેકિંગ કરવાની વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો હતો. કલેક્ટરશ્રીએ પરીક્ષા કેન્દ્રો પર એન્ટ્રી પોઇન્ટ, સીસીટીવી કેમેરા, ફ્લાઇંગ સ્ક્વોડ, વિડિયોગ્રાફી, આરોગ્ય-સારવારની સુવિધા, પરીક્ષા કેન્દ્રનું સંચાલન વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરીને સૌને વિશેષ જાગૃત રહેવા જણાવ્યું હતું. કલેક્ટર એ પરીક્ષા માટેની એસઓપીનું કડક પાલન કરવા માટે સૌને તાકીદ કરી હતી. જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે, એવું કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ પરીક્ષા સાથે સંકળાયેલા જિલ્લાના તમામ અધિકારીઓને સંકલનમાં રહીને ફરજ નિભાવવા અનુરોધ કરવા સાથે જણાવ્યું હતું કે અધિકારીઓ, પરીક્ષા કેન્દ્રના સંચાલકો તથા પોલીસકર્મીઓ, આપણે સૌએ સાથે મળીને આપણું કર્તવ્ય નિભાવવાનું છે. નાનામાં નાની બાબતની કાળજી રાખીને આપણે પરીક્ષામાં આપણી ભૂમિકા ખૂબ સારી રીતે અદા કરી શકીશું. આ પરીક્ષાની ગંભીરતા સમજીને સૌએ સાવધ રહેવાનું છે, એવું તેમણે ઉમેર્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી સુધીર પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં કુલ ૪૯૪ પરીક્ષા કેન્દ્રો પર કુલ ૪૮૩૩ બ્લોકમાં કુલ ૧,૪૪,૯૯૦ ઉમેદવારો પરીક્ષા આપનાર છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને પ્રવેશતાં પહેલાં ચેકિંગપ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી દ્વારા પણ દેખરેખર રાખવામાં આવશે. આ રીતે જિલ્લા વહીવટી તંત્ર પરીક્ષાને શાંતિપૂર્ણ માહોલમાં સમ્પન્ન કરવા સુસજ્જ છે. પરીક્ષાના ઉમેદવારો માટે જિલ્લા વહીવટી તંત્રે શરૂ કરી હેલ્પલાઇન…. પરીક્ષા બાબતે સમસ્યા કે મુશ્કેલી માટે ઉમેદવાદોની મદદ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઉમેદવાર ફોન નં. ૦૭૯-૨૫૫૦૮૧૪૧ પર કૉલ કરીને જરૂરી મદદ અને માર્ગદર્શન મેળવી શકશે.
• જિલ્લા મેજિસ્ટ્રેટના તારીખ ૨૭/૦૩/૨૦૨૩ના જાહેરનામા મુજબ પ્રતિબંધિત કૃત્યો
૧. પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલ ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈપણ બિનઅધિકૃત માણસોએ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવા ઉપર
૨. પરીક્ષા સ્થળે ઇલેક્ટ્રોનિક આઈટમ જેવી કે મોબાઈલ ફોન, પેજર, ઇલેક્ટ્રિક ડાયરી, ઘડિયાળ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ દાખલ થવા ઉપર
૩. પરીક્ષાર્થીઓની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ, વિશેષ ધ્યાનભંગ થાય તેવું કોઈ પણ કૃત્ય કરવા/કરાવવા ઉપર
૪. પરીક્ષા સ્થળે ચોરી કરવા/કરાવવાના હેતુથી પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલો લઈ જવા ઉપર
૫. પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ નકલ કરવાનાં કેન્દ્રો, દુકાનો ઉપર ઝેરોક્ષ મશીન, ફેક્સ મશીન પરીક્ષા સમયે ચાલુ કરવા/કરાવવા ઉપર
૬. પરીક્ષા સ્થળે કોઈ પણ પ્રકારનું હથિયાર લઈ જ દાખલ થવા ઉપર
૭. પરીક્ષા સ્થળની આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ પાન-બીડીના ગલ્લા તથા ચા-પાણીના કેન્દ્રો પરીક્ષા સમય દરમિયાન ચાલુ કરવા/કરાવવા ઉપર
૮. પ્રતિબંધિત વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા ઉપર
૯. પ્રતિબંધિત વિસ્તારમાં જાહેર વાહન વ્યવહાર અવરોધાય તે રીતે વાહનો ઊભા રાખવા કે પાર્ક કરવા/કરાવવા બદલ
૧૦. પરીક્ષા સ્થળો પર ગેરરીતિ થાય તેવું કોઈ પણ સાધન લઈ જવા પર
૧૧. પરીક્ષા સ્થળની આજુબાજુ મોટા મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર
• પોલીસ કમિશનરની કચેરીના તારીખ ૩૧/૩/૨૦૨૩ના જાહેરનામા મુજબ પ્રતિબંધિત કૃત્યો
૧. પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધારે વ્યક્તિઓએ ભેગા થવા પર
૨. પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર
૩. પરીક્ષા સ્થળની આજુબાજુ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર
૪. પરીક્ષા સ્થળ પર સક્ષમ અધિકારી સિવાયના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકોએ મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક, વિજાણું ઉપકરણ લઈ જવા પર
૫. પરીક્ષા સ્થળો પર પરીક્ષા સમય દરમિયાન બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર
૬. પરીક્ષા સ્થળો પર ગેરરીતિ થાય તેવું કોઈ પણ સાધન કે અનઅધિકૃત લેખન સામગ્રી લઈ જવા પર
૭. પરીક્ષા કેન્દ્રની આસપાસના વિસ્તારમાં જાહેર વાહન વ્યવહાર અવરોધાય તે રીતે વાહનો ઊભા રાખવા કે પાર્ક કરવા/કરાવવા ઉપર
૮. પરીક્ષા સ્થળે કોઈ પણ પ્રકારનું હથિયાર લઈ દાખલ થવા ઉપર