ચીનમાં અનેક મોટા શહેરોમાં મોટેપાયે બળવો!..શી જિનપિંગને હટાવવાના લાગ્યા નારા!

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ચીનમાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે લોકડાઉન લગાવવામાં આવતા જ લોકો ભડકી ગયા છે. ચીનના અનેક શહેરોમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને શી જિનપિંગની સરકાર સામે પ્રદર્શન કરી રહ્યા છે. ચીની નાગરિકોને તેમના રાષ્ટ્રપતિ શી જિનપિંગની કડક ઝીરો કોવિડ પોલીસી જરાય પસંદ આવી રહી નથી. હજારો પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતર્યા છે અને પોલીસનો સામનો કરી રહ્યા છે. પોલીસ પ્રદર્શનકારીઓને રોકવામાં લાગી છે પરંતુ સ્થિતિ બેકાબૂ બની રહી છે. ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ નારા લાગી રહ્યા છે. અને સૌથી મોટો બળવો?… વિષે જાણો…  મળતી માહિતી મુજબ બેઈજિંગ, અને શાંઘાઈ સહિત ચીનના અનેક શહેરોમાં કોવિડ-૧૯ના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનનો વિરોધ  થઈ રહ્યો છે. શાંઘાઈમાં તો જ્યારે હજારો પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતર્યા તો પોલીસે તેમની સાથે કડકાઈ આચરી. અનેક લોકોને પોલીસની કારોમાં બાંધી દેવાયા. બેઈજિંગ અને નાનજિંગ સહિત અન્ય જગ્યાઓ પર પણ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પ્રદર્શન કર્યા.

રિપોર્ટ મુજબ ચીનના નોર્થ-વેસ્ટ શહેર ઉરુમકીમાં પણ વિરોધ પ્રદર્શન બાદ અશાંતિ છે. અહીં એક ટાવર બ્લોકમાં આગ લાગવાના કારણે ૧૦ લોકોના મોત થઈ ગયા. લોકો આ માટે લોકડાઉનને જવાબદાર ઠેરવી રહ્યા છે. જો કે ચીની અધિકારીઓ આ વાતનો ઈન્કાર કરે છે કે કોવિડ પ્રતિબંધોના કારણે લોકોના મોત થયા.

અત્રે જણાવવાનું કે શનિવારે રાતે શાંઘાઈમાં પણ મોટું વિરોધ પ્રદર્શન થયું. પ્રદર્શનકારીઓએ અહીં ખુલ્લેઆમ ‘શી જિનપિંગ, પદ છોડો’ અને ‘કમ્યુનિસ્ટ પાર્ટી સત્તા છોડો’ ના નારા લગાવ્યા. પ્રદર્શનકારીઓના હાથમાં બેનરો પણ હતા. નોંધનીય છે કે ચીનમાં આ પ્રકારનું પ્રદર્શન અને શી જિનપિંગ વિરુદ્ધ ખુલ્લેઆમ નારા લગાવવા એ સામાન્ય વાત નથી. ચીનમાં સરકાર અને રાષ્ટ્રપતિની સીધી આલોચના કરવા બદલ કડક સજા થાય છે. રિપોર્ટ મુજબ ચીની સરકાર વિરુદ્ધ નારા લગાવનારાઓને પોલીસ શોધી રહી છે. જો કે લોકડાઉનના કારણે ચીનના અનેક શહેરોમાં નાગરિકો ગુસ્સામાં છે અને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. કોવિડ પ્રતિબંધોથી નારાજ લોકોએ હાલમાં જ ઝેંગ્ઝોથી ગ્વાંસઝૂ સુધી હિંસક વિરોધ પ્રદર્શન પણ કર્યું.

Share This Article