હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં સામાજિક અને કલ્યાણ વિભાગે ફરીદપુરના રહેવાસી રાજારામને મૃત જાહેર કરી દીધા છે. હવે ૬૭ વર્ષના રાજારામ પોતાને જીવંત કરવાની લડાઈ લડી રહ્યાં છે અને તેમના જીવિત હોવાના પુરાવા સાથે ઓફિસના ચક્કર લગાવી રહ્યા છે. છેલ્લા ૭ વર્ષથી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મળતું વૃદ્ધાવસ્થા પેન્શન આવતું હતું, પરંતુ થોડા મહિનાઓ પહેલા રાજારામને મૃત જાહેર કરીને સમાજ અને કલ્યાણ વિભાગે તેમનું પેન્શન બંધ કરી દીધું હતું.
આ અંગે પૂછપરછ કરવા માટે જ્યારે રાજારામ સમાજ અને કલ્યાણ વિભાગની ઓફિસે પહોંચ્યા ત્યારે વિભાગના લોકોએ કહ્યું કે તમને ઉપરથી મૃત જાહેર કરવામાં આવ્યા છે, તેથી હવે તમે તમારું પેન્શન મેળવી શકશો નહીં. હવે તમારે જીવિત હોવાનો પુરાવો લાવવો પડશે, તે પછી ૬૭ વર્ષીય વ્યક્તિ પોતાના જીવિત હોવાના પુરાવા એકત્ર કરવા માટે અલગ-અલગ વિભાગના ચક્કર લગાવતો રહ્યો અને અંતે તે સિસ્ટમ સામે થાકી-હારીને બેસી ગયો છે.
જો કે, આ સમગ્ર મામલાની ફરિયાદ બાદ રાજારામે હરિયાણાના મુખ્યમંત્રી સહિત જિલ્લા ડેપ્યુટી કમિશનરની તમામ ઓફિસના દરવાજા ખટખટાવી ચૂક્યા છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા પછી ગામ લોકો રાજારામની મજાક ઉડાવી રહ્યાં છે. જ્યાં લોકો તેમને જીવતો ભૂત કહીને બોલાવવા લાગ્યા છે. જણાવી દઈએ કે રાજા રામના ઘરની આર્થિક સ્થિતિ પણ ઘણી નબળી છે અને રાજા રામ સરકાર દ્વારા મળતી વૃદ્ધાવસ્થા પેન્શન પર સંપૂર્ણપણે ર્નિભર છે. આખરે રાજારામે મીડિયાનો સહારો લીધો અને પોતાના જીવંત હોવાના તમામ દસ્તાવેજો મીડિયાની સામે રાખ્યા. હવે જોવાનું એ રહેશે કે બેદરકાર અધિકારીઓ કાગળોમાં મૃત જાહેર કરાયેલ વ્યક્તિને જીવિત કરશે કે કેમ?