રાજકોટ-અમદાવાદ હાઇવે પર એક બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માત બામણબોર નજીક સર્જાયો હતો. જ્યાં ખાનગી બસ રસ્તા પરથી ઉતરી ગઇ હતી અને રસ્તાની બાજુમાં નાળામાં ખાબકી હતી. અકસ્માતમાં ૧૫ મુસાફરોને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સવારે મુસાફરો ભરેલી બસ બામણબોર નજીકથી પસાર થઇ રહી હતી, ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. અચાનક જ બસ રસ્તાની સાઇડમાં ઉતરી ગઇ હતી અને નાળામાં ખાબકી હતી. આ ઘટનામાં ૧૫ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ગીતા મંદિર ખાતેથી રાત્રે જુનાગઢ જવા માટે ઉપડેલી મજદા ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ જીજે ૦૩ડબ્લ્યુ-૯૮૭૨ સવારે બામણબોર નજીક રામપરા બેટીના પુલ પાસે પહોંચી ત્યારે બસ ચાલકે કોઇપણ કારણોસર સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પૂલ પરથી નીચે ખાબકતાં મુસાફરોમાં દેકારો મચી ગયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને ઍરપોર્ટ પોલીસની ટીમ પહોંચી ગઇ હતી. મોટા ભાગના મુસાફરોને સામાન્ય ઇજાઓ થઇ હોઇ કુવાડવા પ્રાથમિક સારવાર આપી રજા અપાઇ હતી. જ્યારે ત્રણ મુસાફરોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતાં.