ભારતની ઐતિહાસિક અને ભાતીગળ સંસ્કૃતિ રજૂ કરતા બે હજારથી બાવીસ્સો વર્ષ જૂના અતિદુર્લભ સિક્કાઓનું પ્રદર્શન જોવા હાલ શહેરીજનો પાલડી સ્થિત સંસ્કારકેન્દ્ર ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તેનું કારણ એ છે કે, નિઃશુલ્ક એવા આ પ્રદર્શનમાં મૌર્યકાલીન, ક્ષત્રપકાલીન, ગુપ્તકાલીન, દેશી રાજપૂતાના, સલ્તનત, મુગલ, મરાઠા, દેશી રજવાડાઓ, બ્રીટીશકાળ સહિત ભારતના ખૂણેખૂણાના ઐતિહાસિક અને દુર્લભ સિક્કાઓ હોઇ લોકોમાં ભારે આકર્ષણ અને ઉત્સુકતા જમાવી રહ્યા છે. આજની પેઢીને ખાસ કરીને યુવા પેઢી અને બાળકોને ભારતની ઐતિહાસિક સંસ્કૃતિ અને વારસાની જાણકારી અને પરિચય મળી રહે તે હેતુથી તે પોતાના ખર્ચે વિનામૂલ્યે આ અનોખુ પ્રદર્શન યોજી રહ્યો છે.
ભારતના અતિદુર્લભ સિક્કાઓની સાથે સાથે પ્રદર્શનમાં જૂના તાળા-વજનીયા, પ્રાચીન ખડિયા, પુસ્તકો, પોસ્ટકાર્ડ, કેમેરા, તામ્રપત્ર સહિતની ચીજવસ્તુઓ પણ ધ્યાનાકર્ષક બની રહી છે. અમદાવાદ સહિત ગુજરાતભરના ઇતિહાસરસિક નાગરિકોની સાથે સાથે યંગસ્ટર્સ અને બાળકો સહિતના આજની પેઢી આ અતિદુર્લભ સિક્કાઓ અને ચીજવસ્તુઓ નિહાળી તેનો ઇતિહાસ જાણી ભારતના ઐતિહાસિક વારસા અને સંસ્કૃતિનું જતન અને તેની ગૌરવગાથાને અમર બનાવવાના ઉમદા આશયથી આ પ્રકારે સ્વખર્ચે દુર્લભ પ્રદર્શન યોજવાનું મન થાય છે એમ કહેતાં સમીર પંચાલે જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષથી ભારતના આ ઐતિહાસિક દુર્લભ સિક્કાઓ એકત્ર કરવા હું બાઇક પર દોઢ લાખથી વધુ કિ.મીનું અંતર કાપીને ગુજરાત, મહારાષ્ટ્ર્, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજયોમાં ફર્યો છુ અને મેં આ અતિ દુર્લભ સિક્કાઓ અને ચીજવસ્તુઓ એકત્ર કરી તેનો સંગ્રહ શકય બનાવ્યો છે.
મારી વર્ષોની મહેનત પાછળ આ એન્ટીક ચીજવસ્તુઓ એકત્ર કરવા માટેનું મારું ગાંડપણ-ક્રેઝ જ જવાબદાર છે પરંતુ હું આ દુર્લભ ઐતિહાસિક વારસાને મારા પૂરતો સીમિત રાખવા નથી માંગતો, પરંતુ અમદાવાદ સહિત ગુજરાત અને દેશભરના લોકો તેનાથી માહિતગાર થાય અને આપણી ઐતિહાસિક ગૌરવવંતી સંસ્કૃતિ, ભાષા, લિપિ, એ જમાનાના વારસાથી પરિચિત થાય તે હેતુથી નિશુલ્ક રીતે આ પ્રદર્શન યોજવાનો આશય છે. અમે, પ્રદર્શન જોવા આવનાર નાગરિકોને પુસ્તકોની ખરીદીની સાથે સાથે દુર્લભ સિક્કાઓ પણ બિલકુલ મફતમાં આપીએ છીએ.
અકબર, સિકંદર, એહમદશાહ, મરાઠાઓ વખતના દુર્લભ સિક્કાઓ લોકોમાં ગજબનું આકર્ષણ જમાવી રહ્યા છે. મગધવંશથી લઇ મુઘલ, મરાઠા સામ્રાજય સુધીના, ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી લઇ દેશી રજવાડા અને આઝાદી સુધીના દુર્લભ સિક્કાઓ જોવા એ બહુ મહામૂલી તક તા.૧૫મી ડિસેમ્બર સુધી સવારે ૧૧થી ૮ સુધી ચાલનારા આ નિશુલ્ક પ્રદર્શનમાં નગરજનો અને ઇતિહાસરસિકો માટે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોનાના સિક્કાઓ એ જમાનામાં પદ્મટંકા કે ફનમ તરીકે ઓળખાતા હતા. એક હજાર વર્ષ જૂનો વિદર્ભ પ્રદેશનો સોનાનો સિક્કો ચાર ગ્રામનો છે. કુલ ૧૮૦ જેટલી ફ્રેમમાં બે હજારથી વધુ અતિદુર્લભ સિક્કાઓ કોઇએ કયારેય જોયા કે કલ્પ્યા ના હોય તેવા છે. તેનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ, ગૌરવવંતો અને રોચક છે. દીવમાં તો સીસાના સિક્કાનું ચલણ હતું. તો, ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પણ એ જમાનામાં કેવા સિક્કાઓ ચાલતા તેનો અદ્ભુત સંગ્રહ પ્રદર્શનમાં રજૂ કરાયો છે. સમીર પંચાલ પાસે પ્રદર્શનમાં મૂકેલા બે હજારથી વધુ અતિ દુર્લભ સિક્કાઓ ઉપરાંત ૫૦ હજાર સિક્કાઓ અને અન્ય ચીજવસ્તુઓનું પણ એન્ટીક કલેકશન છે, ઐતિહાસિક વારસાનું જતન એ જ તેનો ઉદ્દેશ છે.