અમદાવાદમાં વિશાળ રૂદ્રાક્ષ શિવલિંગની તડામાર તૈયારી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : અમદાવાદની પવિત્ર ધરતી પર મહાશિવરાત્રી મહોત્સવ સમિતીના તત્વાઘાનમાં ભારતની ભવ્ય આધ્યાત્મિક, વૈદિક અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અને નવજીવન ફાઉન્ડેશનનાં અંગ દાનના પવિત્ર વૈદકીય  સેવા પ્રકલ્પને સાકાર કરવાના પવિત્ર ઉદ્દેશથી મહાશિવરાત્રી મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે શહેરના એસ.જી.હાઇવે પર ઝાયડસ હોસ્પિટલની બાજુમાં ગણેશ ગ્રાઉન્ડના કૈલાશ માનસરોવર ધામ ખાતે ૨૭ લાખ રૂદ્રાક્ષની મદદથી સવા ૩૫ ફુટ ઉંચુ વિશ્વનું સૌથી ઉંચુ મહાશિવલિંગ બનાવવાની ભવ્ય તૈયારીઓ અને આયોજન ચાલી રહ્યા છે.

વિશ્વના સૌથી ઉંચા મહાશિવલિંગને લઇ અમદાવાદના આંગણે એક નવો જ અને અનોખો રેકોર્ડ બનશે. રુદ્રાક્ષ મહાશિવલિંગ પરંપરાના સર્જક અને જાણીતા શિવકથાકાર શ્રી બટુકભાઇ વ્યાસના નેજા હેઠળ તા.તા.૨૬મી ફેબ્રુઆરીથી તા.૬ઠ્ઠી માર્ચ દરમ્યાન ૨૧ પોથી શિવકથા, ૨૧ કુંડી મહારૂદ્ર યજ્ઞ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. રૂદ્રાક્ષના આ મહાકુંભ સમા ઐતિહાસિક ધાર્મિક પ્રસંગને લઇ જાણીતા શિવકથાકાર શ્રી બટુકભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિને લઇ આ  ભવ્યાતિભવ્ય મહાશિવલિંગના નિર્માણની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

એક રૂદ્રાક્ષ એટલે એક શિવલિંગ કહેવાય. ૨૭ લાખ રૂદ્રાક્ષમાંથી આ સવા ૩૫ ફુટ ઉંચું મહાશિવલિંગ બનવાથી લાખો શ્રધ્ધાળુ ભકતજનોને માત્ર એક લોટા જળથી ૨૭ લાખના જળાભિષેક કરવાનો અનોખો પુણ્યયોગ પ્રાપ્ત થશે. તા.૨૬મી ફેબ્રુઆરીથી તા.૬ઠ્ઠી ફેબ્રુઆરી દરમ્યાન શિવભકતો અને શ્રધ્ધાળુઓ સવારે આઠ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી રૂદ્રાક્ષ મહાશિવલિંગના દર્શન અન અભિષેકનો લાભ લઇ શકશે. આ રૂદ્રાક્ષ મહાકુંભ દરમ્યાન સમૂહ રૂદ્રાભિષેક, હોમાત્મક મહારૂદ્ર યજ્ઞ, ૧૦૮ દિવાની મહાઆરતી, મહાશિવરાત્રિ રાત્રિપૂજન, શિવમહાપુરાણ કથા, રૂદ્રાક્ષ મહાશિવલિંગ આરતી સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત સહિત દેશભરમાંથી લાખો શિવભકતો અને શ્રધ્ધાળુઓ લાખોની સંખ્યામાં ૨૭ લાખ રૂદ્રાક્ષમાંથી બની રહેલા આ મહાશિવલીંગના દર્શનાર્થે ઉમટે તેવી શકયતા છે.

જેને લઇ સલામતી અને સુરક્ષાનું પણ ખાસ આયોજન કરાયું છે એમ શ્રી બટુકભાઇ વ્યાસે ઉમેર્યું હતું. અમદાવાદના આંગણે આ ઐતિહાસિક ધાર્મિક પ્રસંગ સંદર્ભે તાજેતરમાં જ ભૂમિપૂજન સહિતની વિધિ રાજયના મહેસૂલમંત્રી કૌશિકભાઇ પટેલ, અમદાવાદ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે, શિવકથાકાર બટુકભાઇ વ્યાસ, સમસ્ત બ્રહ્મસમાજ(રાજયકક્ષા)ના મહામંત્રી યજ્ઞેશ દવે, ધોળેશ્વર મહાદેવના પૂ.૧૦૦૮ મહંત રામસ્વરૂપપુરીજી અને પૂ.કાલીદાસબાપુના હસ્તે ઉપરોકત સ્થળે સંપન્ન કરવામાં આવી હતી. મહાશિવરાત્રિના આ મહોત્સવમાં વિશ્વનું સૌથી ઉંચુ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ કરી ચાર વાર લિમકા બુકમા સ્થાન પ્રાપ્ત કરી સવા ૩૫ ફુટની નવી ઉંચાઈ સાથે ગિનિસ બુકમાં આ વખતે અમદાવાદ સ્થાન પ્રાપ્ત કરે તેના પ્રયાસો ચાલી રહ્યા છે. રુદ્રાક્ષ મહાશિવલિંગ પરંપરાના સર્જક, શિવ કથાકાર પૂ.શ્રી બટુકભાઈ વ્યાસે આશીર્વચનમા જણાવ્યુ હતુ કે, જન મનમાં ભગવાન શિવનો વાસ થાય, સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય અને ભારતની ભવ્ય આધ્યાત્મિક, વૈદિક અને સનાતન સંસ્કૃતિનું જતન સંવર્ધન થાય એ માટે આવા સતકર્મો થતા રહેવા જોઈએ. આયોજન સમિતિના જતીનભાઈ પટેલ (૯ સ્ક્વેર ઇવેન્ટ), કેતનભાઈ પટેલ(પાટીદાર અગ્રણી, ભાજપ), એ.ડી. પટેલ  (બિલ્ડર, સામાજિક કાર્યકર), મનસુખભાઈ પટેલ(પાટીદાર અગ્રણી)સહિત સમિતીના સર્વ સભ્યોએ પણ આ ધાર્મિક પ્રસંગ માટે ભારે જહેમત ઉઠાવી છે.

Share This Article