અમદાવાદ: લોકોને ભવ્ય અને ઐતિહાસિક સ્મારકોનો પરિચય કરાવવા માટે જાણીતા ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ દ્વારા 23 નવેમ્બરના રોજ અડાલજ ની વાવ ખાતે મનોરંજક ‘વોટર ફેસ્ટિવલ’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ 16મી આવૃત્તિ, ભારતના કેટલાક શ્રેષ્ઠ કલાકારોને એક યાદગાર સાંજ માટે એકસાથે લાવીને સંગીત, ઇતિહાસ અને સ્થાપત્ય વૈભવનું મિશ્રણ કરવાના ક્રાફ્ટ ઓફ આર્ટના મિશનને જારી રાખે છે.
ભરતનાટ્યમ અને લોકનૃત્યકાર બિરવા કુરેશી દ્વારા સ્થાપિત, ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ સંસ્થા, દોઢ દાયકાથી વધુ સમયથી પ્રેક્ષકોને, ખાસ કરીને યુવાન પેઢીઓને, ભારતના ઐતિહાસિક સ્મારકો, ધરોહર સાથે સાંકળી રહી છે. દરેક આવૃત્તિની જેમ, આ વર્ષના ઉત્સવનો ઉદ્દેશ્ય ભારતના સાંસ્કૃતિક વારસાની ભાવનાને ઉજાગર કરવાનો અને તેની કલાત્મક પરંપરાઓની શાશ્વત ઉજવણી કરવાનો છે.
ક્રાફ્ટ ઓફ આર્ટના સ્થાપક અને કલાત્મક નિર્દેશક બિરવા કુરેશીએ જણાવ્યું હતું કે, “16 વર્ષ પૂર્ણ કરવા, એ ખરેખર અમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. વોટર ફેસ્ટિવલ ભારતના અસાધારણ સ્થાપત્ય વારસાને ભાવાંજલિ છે અને અડાલજ ની વાવ આપણને વર્ષોથી સતત પ્રેરણા આપતી રહે છે. અમારો પ્રયાસ હંમેશા ભાવનાત્મક પ્રદર્શન દ્વારા સ્મારકોને જીવંત બનાવવાનો રહ્યો છે, જેથી ઇતિહાસનું ફક્ત અવલોકન જ નહીં, પણ અનુભવ પણ કરી શકાય. જ્યાં સ્થાપત્ય, સંગીત અને સ્મૃતિ એકસાથે ગુંજે, અમે એવી બીજી રમણીય સાંજની ઊજવણી કરવા માટે ખુબજ આતુર છીએ.”
હંમેશાની જેમ, ‘વોટર ફેસ્ટિવલ 2025’, વૈશ્વિક સ્તરે પ્રશંસનીય કલાકારોના અસાધારણ પ્રદર્શનથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે. જેમાં ઉસ્તાદ ફઝલ કુરેશી તબલામાં તેમની નિપુણતાથી પ્રેક્ષકોને મોહિત કરશે. આ ઉપરાંત, વાયોલિન પર અંબી સુબ્રમણ્યમ, કીબોર્ડ પર સ્ટીફન દેવાસી, કબીર વાણી રજૂ કરતા મીર મુખ્તિયાર અલી, ઘટમ પર ગિરધર ઉડુપા, ડ્રમ્સ પર અરુણ કુમાર, ઢોલક પર નવીન શર્મા, બાસ પર પૃથ્વી સેમ્યુઅલ અને સારંગી પર ઇલિયાસ ખાન જેવા કલાકારો ઉત્સાહ અને મનોરંજનથી ભરપૂર પ્રસ્તુતિ આપશે.
આ મહોત્સવમાં કેરળની કથકલી સ્કૂલ દ્વારા એક ખાસ પ્રદર્શન પણ રજૂ કરવામાં આવશે, જે ભારતની શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓની ઊંડાઈ અને સુંદરતા દર્શાવે છે. આ રમણીય સાંજનું સંચાલન, જાણીતી અભિનેત્રી અને કલાકાર સુચિત્રા પિલ્લઈ દ્વારા કરવામાં આવશે.
આ સાંજ મનમોહક પ્રદર્શનથી ભરપૂર હશે અને સાથે-સાથે સર્જનાત્મક લાઇટિંગ ડિઝાઇન દ્વારા અડાલજ ની વાવને સંપૂર્ણપણે નવા સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે, જે વાવની જટિલ સ્થાપત્યને ઉજાગર કરશે તેમજ તેની ભવ્યતા અને રહસ્યમાં વધારો કરશે. આ વોટર ફેસ્ટિવલ ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રાયોજિત છે અને અદાણી ગ્રુપ દ્વારા સહ-પ્રાયોજિત છે. તેમાં માય એફએમ રેડિયો પાર્ટનર છે અને સેલવેલ મીડિયા આઉટડોર પાર્ટનર છે.
વર્લ્ડ હેરિટેજ વીકના ભાગરૂપે, ક્રાફ્ટ ઓફ આર્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમર્થિત ત્રણ ખાસ હેરિટેજ અનુભવોનું આયોજન કરશે. તેમાં લાઇવ દોતારા સાથે માર્ગદર્શિત વોક “વ્હિસ્પર્સ ઓફ ધ વોલ્સ”, હેરિટેજ અને કુલીનરી વોક “રાસ રિવાજ” અને જૂના શહેરના ઐતિહાસિક પરિસરથી સ્કેચિંગ વોક “ઓટલો: સ્ટોરીઝ ઇન લાઇન” નો સમાવેશ થાય છે. આ અનુભવો સમૃદ્ધ અમૂર્ત વારસા સંવાદનું માધ્યમ બનશે.
12મી ડિસેમ્બરે હૈદરાબાદમાં યોજાનાર ‘ગોલકોન્ડા ફોર્ટ ફેસ્ટિવલ’ એ ક્રાફ્ટ ઓફ આર્ટની સફરમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.
શ્રીમતી કુરેશીએ જણાવ્યું હતું કે, “આ ઇવેન્ટ દેશભરના પ્રેક્ષકો સુધી વારસા આધારિત કલાત્મક અનુભવો પહોંચાડવા માટે ક્રાફ્ટ ઓફ આર્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
ઉલ્લેખનીય છે કે, આ પહેલને દેશના સ્મારક વારસાનું જતન, સંરક્ષણ અને સંવર્ધન કરતી પ્રતિષ્ઠિત સંસ્થા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, ASI નો સહકાર મળ્યો છે. વિતેલા 16 વર્ષોમાં, ક્રાફ્ટ ઓફ આર્ટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 36 થી વધુ હેરિટેજ ફેસ્ટિવલ આયોજિત કર્યા છે.
‘વોટર ફેસ્ટિવલ 2025’ ભૂતકાળનું સન્માન કરવાનો, વર્તમાનને પ્રેરણા આપવાનો અને ભાવિ પેઢીઓને ભારતના સાંસ્કૃતિક વારસાની કદર કરવા અને તેનું જતન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો વારસો અવિરત જારી રાખે છે. ‘વોટર ફેસ્ટિવલ 2025’ માં અગાઉ નોંધણી સાથે, ‘પહેલા આવો, પહેલા મેળવો’ ના ધોરણે પ્રવેશ નિશુલ્ક છે. સંગીત પ્રેમીઓ bookmyshow.com પર વોટર ફેસ્ટિવલ માટે મફતમાં નોંધણી કરાવી શકે છે.
