અમદાવાદ: 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ “આઝાદીનો ઉત્સવ” અંતર્ગત ગુજરાતના લોકપ્રિય એહસાસ બેન્ડ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન અમદાવાદના બોપલ વિસ્તારમાં સ્થિત જાણીતા ટ્વિસ્ટેડ રૂટ્સ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી યોજાયો હતો.
આ પ્રસંગે ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર, પ્રદેશ ભાજપ કલ્ચરલ કમિટીના મુખ્ય સંયોજક જનકભાઈ ઠક્કર, ગુજરાતી ફિલ્મ “લાલો”ના કલાકાર મૌલિક ચૌહાણ, ગુજરાતી ફિલ્મના નિર્માતા વિપુલભાઈ અને તૃપ્તિબેન જાંબુચા, જાણીતા અભિનેતા અભિનય બેંકર, સોશિયલ મીડિયા ક્રિએટર પરાગ – રાધિકા દિહોરા સહિત અનેક ગણમાન્ય મહેમાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
“આઝાદીનો ઉત્સવ” કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રજાસત્તાક પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ યુવાનો આપણા લોકસંગીત, લોકસાહિત્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સાચવી રાખી તેનું દેશ-વિદેશમાં પ્રચાર-પ્રસાર કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન એહસાસ બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતો સાથે સાથે ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકસાહિત્ય આધારિત વિવિધ ગીતો યુવાનોને ગમે તેવા નવનવીન અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત પ્રેક્ષકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો.
આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમના સફળ આયોજન બદલ ઉપસ્થિત મહેમાનો તથા જાહેર જનતા દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીને અભિનંદન સહ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
