સોમનાથ સ્વાભિમાન પર્વ પર ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો, ડમરૂના નાદ સાથે સાધુ-સંતોની રવેડી નીકળી

Rudra
By Rudra 1 Min Read

ગીર સોમનાથ તા.૯ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે, આજે ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતોએ સોમનાથના શંખચોકથી પદયાત્રા કરીને દેવાધિદેવ ભગવાન મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતી પદયાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો જોડાયા હતા.

આ પદયાત્રામાં ગિરનાર તીર્થક્ષેત્રના ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, હરીહરાનંદ બાપુ સહિતના સાધુ સંતો જોડાયા હતા, આ દરમિયાન મોટી સંખ્યામાં સાધુ સંતોએ ભગવાન શિવજીના પ્રિય વાદ્ય ડમરૂના નાદનો ગુંજારવ કરીને આધ્યાત્મિક ઉર્જા પ્રસરાવી હતી. ઉપરાંત ૭૫ જેટલા ઢોલ વાદકો સાથેના સિદ્ધિવિનાયક ઢોલ ગ્રુપે તાલબદ્ધ પ્રસ્તુતિથી અનેરો માહોલ સર્જ્યો હતો.

આ પદયાત્રામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, અગ્રણી ધવલભાઈ દવે, પુનિતભાઈ શર્મા, ઝવેરીભાઈ ઠકરાર સહિતના મહાનુભાવો જોડાયા હતા અને ભાવભેર ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પદયાત્રામા દરમિયાન પુષ્પવર્ષા સાથે સાધુ સંતો અને મહાનુભાવનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાથી સમગ્ર સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું, ઉપરાંત ઉપસ્થિત ભાવિકોએ પણ સાધુ સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Share This Article