અંકુશ રેખા ઉપર પાકિસ્તાન દ્વારા ફરી ભીષણ ગોળીબાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જમ્મુ : પાકિસ્તાની સેનાએ આજે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના પૂંચ અને રાજારી જિલ્લામાં અંકુશરેખા પર ગ્રામીણ વિસ્તારો અને અગ્રીમ ચોકીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેના કારણે ફરી એકવાર તંગ સ્થિતિ થઈ ગઈ હતી. અંકુશરેખા પર કરવામાં આવેલા ગોળીબારના કારણે લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. જાકે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું હતું કે પૂંચમાં ક્રિશ્નાઘાટી સેકટરમાં અંકુશરેખા પેલે પારથી જારદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ગોળીબારની શરૂઆત થઈ હતી.

ભારતીય સેનાના અધિકારીઓએ માહિતી આપતા કહ્યું છે કે જવાબમાં સેનાએ જારદાર જવાબ આપ્યો હતો. પાકિસ્તાની ગોળીબારમાં ભારતીય પક્ષે કોઈપણ નુકસાન થયું નથી. છેલ્લા એક પખવાડિયા સુધી અંકુશરેખા પર શાંતિ રહ્યા બાદ પાકિસ્તાને ફરી ગોળીબારની શરૂઆત કરી છે. ગુરૂવારના દિવસે પૂંચના કિરની સેકટર અને શાહપુરમાં ગોળીબાર કરાયો હતો.

પાકિસ્તાન દ્વારા ગોળબાર કરીને આતંકવાદીઓને ઘુસાડવાના પ્રયાસો જારી રાખ્યા છે. બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં સોપિયનમાં ગયા શુક્રવારના દિવસે સુરક્ષા દળોને અભૂતપૂર્વ સફળતા હાથ લાગી હતી. સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને આતંકવાદીઓના પોસ્ટર બોય બુરહાન વાનીના બ્રિગેડ કમાન્ડર લતીફ અહેમદ દાર ઉર્ફે લતીફ ટાઈગરને ઠાર કરી દીધો હતો. લતીફની સાથે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના બે અન્ય આતંકવાદી પણ ઠાર થયા હતા. લતીફના મોત સાથે જ ખીણમાં બુરહાન ગેંગનો ખાત્મો થઈ ગયો છે. લતીફના મોત સાથે જ રક્તપાતનો પણ ખીણમાં અંત આવ્યો છે. ઈમામ સાહીબ ગામમાં સુરક્ષા દળોને ગુપ્ત સૂચના મળી હતી ત્યારબાદ સફળ ઓપરેશન પાર પડાયું હતું.

Share This Article