દેશભરમાં હાલ ચોમાસાનો માહોલ જામ્યો છે. વરસાદી ગંદકીની સાથે ઋતુગત રોગોના કેસોમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મુંબઈમાં સતત થઈ રહેલા ભારે વરસાદ બાદથી ઋતુગત રોગોનો રાફળો ફાટ્યો છે. શહેરમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ઇન્ફલ્યુએન્ઝા H1N1 થી સંક્રમિત ઓછામાં ઓછા ૪ દર્દીઓ શહેરમાં લાઇફ સપોર્ટ પર છે. તે જ સમયે ડોકટરોએ ચેતવણી આપી છે કે શહેરમાં ફરીથી વાયરલ ચેપ ફેલાઈ રહ્યો છે અને જે લોકો કોવિડ -૧૯ નેગેટિવ આવી રહ્યા છે, તેમને H1N1 ટેસ્ટ કરાવવો જોઇએ. જુલાઈમાં ઈન્ફલ્યુએન્ઝા H1N1ના ૧૧ કેસની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે જૂનમાં બે કેસની પુષ્ટિ થઈ છે. સાથે જ ડોક્ટરોનું કહેવું છે કે તેમના આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટમાં રોજ ઓછામાં ઓછા બેથી ત્રણ કેસ સામે આવી રહ્યા છે. કોવિડ-૧૯ની જેમ H1N1એ શ્વસન રોગ છે, જે ૨૦૧૯માં વૈશ્વિક મહામારી તરીકે શરૂ થયો હતો, પરંતુ ટૂંક સમયમાં જ એન્ડમિક બની ગયો હતો.
ગયા અઠવાડિયે મહારાષ્ટ્ર રાજ્યએ આ વર્ષે H1N1થી પ્રથમ મૃત્યુની પુષ્ટિ કરી હતી. ૧૦ જુલાઈના રોજ પાલઘરના તલાસરીની ૯ વર્ષની બાળકીનું મોત થયું હતું. શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં H1N1ની કોઈ પુષ્ટિ થઈ નહોતી. જોકે ૨૦૨૦માં ૪૪ કેસ નોંધાયા હતા અને ૨૦૨૧માં ૬૪ કેસ નોંધાયા હતા. કોવિડથી ઉલટું ઓસેલ્ટામિવિર જેવા સ્વાઇન ફ્લૂની સારવાર માટે અત્યંત અસરકારક દવાઓ માર્કેટમાં ઉપલબ્ધ છે. ચેપી રોગના નિષ્ણાત ડો. વસંત નાગવેકર, જેમણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં એક ડઝનથી વધુ કેસોની સારવાર કરી છે, તેમણે જણાવ્યું હતું કે, “જો તે ૪૮-૭૨ કલાકની અંદર આપવામાં આવે તો કેસની ગંભીરતાને અટકાવી શકાય છે. મોટાભાગના કિસ્સાઓમાં લક્ષણોમાં તાવ, વહેતું નાક, શરીરમાં દુખાવો, શ્વસનના સંક્રમણનો સમાવેશ થાય છે.” નાગવેકરે કહ્યું કે ગંભીર લક્ષણોવાળા લોકોએ તેમ વિચારીને રાહ ન જોવી જોઇએ કે તે કોવિડ છે.