પંચમહાલના ગોધરા-વડોદરા હાઇવે પર તૃપ્તિ હોટેલ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં, ધોધંબા તાલુકાના બોર ગામના એક પિતા પોતાની ત્રણ દીકરી સાથે બાઈક પર લગ્નમાં જઈ રહ્યા હતા, ત્યારે ટ્રક ચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં પિતા અને ત્રણેય માસુમ દીકરીના મોત નીપજ્યા હતા.
જાે કે, અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને મૃતકોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યારે પરિવારે પોતાના સ્વજનો ગુમાવતા શોકનો માહોલ છવાયો છે.
રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ. ૩૬)
વર્ષા રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ.૧૨)
મનીષા રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ.૧૦)
નયના રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ. ૩)
એક જ પરિવારનાં ચાર સભ્યોનાં મોત નીપજતા પરિવાર પર આભ ફાટ્યું છે. સ્વજનો ગુમાવતા પરિવારજનો હૈયાફાટ રૂદન કરતા કરુણ દ્રશ્યો સર્જાયા છે. અકસ્માતની ઘટના અંગે જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.