જૂનાગઢ : કેશોદ તાલુકાના શેરગઢમાં રહેતા એક ખેડૂતનો પાક ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયો હતો. ચાર યુવાન પુત્રીઓના લગ્નની પણ ચિંતા હતી. પાકમાંથી કઈ આવક થાય એમ ન હોવાથી ગમગીન રહતા ખેડૂતે વાડીએ ઝાડ પર દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગે કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ કેશોદ તાલુકાના શેરગઢમાં રહેતા દાનાભાઈ નાથાભાઇ બાબરીયાએ મગફળીનું વાવેતર કર્યું હતું. દાનાભાઈને મગફળીના પાકની ઉપજ આવશે ત્યારે યુવાન પુત્રીઓના લગ્ન કરવામાં મદદ મળી રહેશે એમ હતું. દાનાભાઈના ખેતરમાં મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો ત્યારે સતત ભારે વરસાદ થતાં પાક નિષ્ફળ ગયો હતો. આવક કઈ થઈ શકે એમ ન હતી. યુવાન પુત્રીઓના લગ્ન કરવાની જવાબદારી અને પાક નિષ્ફળ જવાથી દાનાભાઇ ચિંતામાં રહેતા હતા. દાનભાઈએ વાડીએ લીમડાના ઝાડ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવાન પુત્રીઓના લગ્નની જવાબદારી અને પાક નિષ્ફળ જતા ખેડૂતે દિવાળીના પર્વ પર જ જીંદગી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવે છે પરંતુ તે ખેડૂત સુધી પહોંચે ત્યાં સુધીમાં વિલંબ થઈ ગયો હોય છે અને ખેડૂતને મામુલી રકમની સહાય મળે છે. તેનાથી નુકસાનની ભરપાઈ થતી નથી. પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતો તેનો જીવન નિર્વાહ ચલાવી શકે એ માટે સહાયના નિયમોમાં ફેરફાર કરી વધુ રકમ ચુકવવામાં આવે એવી માંગ ઉઠી છે.