કોરિડોરમાં ૫૦ ઇલેક્ટ્રિક બસો દોડાવવા જનમાર્ગની મીટીંગમાં લેવાયેલો નિર્ણય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બુધવારે મળેલી બી.આર.ટી.એસ. કંપનીની મીટીંગમાં ૫૦ ટકા ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું નક્કી થયું છે. પ્રદૂષણ રહિત મનાતી આ પ્રકારની બસોને ઇ-બસ કહેવાય છે. આ અંગે વિગતો આપતા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતુ કે, અશોક લેલેન્ડની પ્રારંભિક તબક્કે ૪૦ અને ત્યારબાદ ૧૦ મળીને ૫૦ બસો પ્રતિ કિ.મી.ના રૂ. ૪૦.૮૦ અને રૂ. ૭ ઇલેક્ટ્રીક ચાર્જ મળીને કુલ રૂ.૪૭.૮૦ બીઆરટીએસ- જનમાર્ગે ચુકવવાના રહેશે.

બસોની કિંમતમાં કેન્દ્ર સરકારની સબસીડી બાદ કરતાં બાકીની રકમ કોન્ટ્રાક્ટર કંપની ભોગવશે. ડ્રાયવર- કંડક્ટરના પગાર અને મેન્ટેનનસનો ખર્ચ પણ તેમણે કરવાનો છે. જેની સામે મ્યુનિ. એક બસના રોજના ૨૫૦ કિ.મી. લેખે એક બસના ૧૧૯૫૦ અને ૫૦ બસ લેખે  રૂ. ૫.૯૭ લાખ જેવી રકમ ચૂકવશે.

ઉલ્લેખનીય છે કે આ અંગે અગાઉ એક ટેન્ડર બહાર પડયું જેમાં ચાઇનીઝ કંપનીએ કિ.મી.ના રૂ.૫૭ ભર્યા હતા. જે ભાવ ખૂબ ઊંચા અને વિવાદિત હોવાથી એ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. અને રી-ટેન્ડરીંગ થયું હતું. નવા ટેન્ડરમાં આ રકમ ઘટી હોવાનો દાવો ભાજપના સત્તાવાળાઓ કરી રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષના નેતાએ આ દાવાને પડકારતા જણાવ્યું છે કે રૂ.  ૧.૪૪ કરોડની બસની કિંમત છે, જે પેટે કેન્દ્ર સરકાર રૂ. ૧ કરોડ ચૂકવનાર છે. બેંગ્લોરમાં રૂ. ૨૫ કિ.મી.ના ભાવે ઇલેક્ટ્રિક બસો દોડે છે, તો અહીં આટલો ઊંચો ભાવ કેમ તેવો પ્રશ્ન વિપક્ષે ઉઠાવ્યો હતો.

Share This Article