કર્ણાટકની માત્ર 15 દિવસ જૂની કુમાર સ્વામીની સરકાર પર અસ્થિરતાનું સંકટ ઉભુ થઇ શકે છે. મંત્રીપદ ના મળવાને કારણે ગઠબંધન કરનારી પાર્ટીના ધારાસભ્યો પીછેહઠ કરી રહ્યા છે. જો આ ધારાસભ્યોએ પીછેહઠ કરી તો કુમારસ્વામીની સરકાર તૂટી પડતા વાર નહી લાગે. એવી અફવાએ પણ જોર પકડ્યુ છે કે, જે ધારાસભ્યોને મંત્રીપદ નથી મળ્યુ તે ભાજપના સંપર્કમાં છે. સાથે જ ઘણા કોંગ્રેસના સભ્યો કોંગ્રેસ છોડવાનો નિર્ણય કરી ચૂક્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય એચ.એમ.રેવન્નાએ જણાવ્યુ હતુ કે તે ભાજપના સંપર્કમાં છે. તેમણે ભાજપમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ભાજપે પણ આ વાતને સાચી ઠેરવી છે. ઘણા ધારાસભ્યોનું કહેવુ છે કે, વેણુગોપાલ અને ઉપમુખ્યમંત્રી પરમેશ્વરે સરકારના ગઠબંધનમાં ચૂક કરી છે. જેના લીધે આજે આવું થઇ રહ્યુ છે.
ઘણા વિધાયકોનું તેમ પણ કહેવુ છે કે, કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓને કુમારસ્વામી સરકારમાં નથી રાખવામાં આવ્યા જે જૂની સરકાર સિદ્ધરમૈયા સરકારમાં મંત્રી હતા. તેમાં એમ.બી પાટીલ, દિનેશ ગૂંડુરાવ, રામલિંગા રેડ્ડી, આર રોશન બેગ, એચ.કે પાટીલ, તનવીર સૈત, સતીષ જારકોહલી સામેલ છે.
હવે કુમારસ્વામીની સરકાર કેટલા દિવસ ટકે છે તે સમય જતાં જ ખબર પડશે.