ગીર સોમનાથમાં રામમંદિર ખાતે જિલ્લાના ૧૧૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ માટે જીવન રક્ષક CPR ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો. આકસ્મિક સંજોગોમાં લોકોનો જીવ બચે અને તાત્કાલીક પ્રાથમિક સારવાર મળી રહે એવા હેતુથી CPR ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસના અધિકારીઓ સહિત ૧૧૦૦થી વધુ પોલીસકર્મીઓએ CPR તાલીમની સાથે અંગદાનનો પણ સંકલ્પ લીધો હતો. રાજ્ય સરકાર તેમજ ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ ગુજરાત ચેપ્ટર અને ડૉક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે ૧૧ જૂનને રવિવારના રોજ રાજ્યમાં ૩૭ મેડીકલ કોલેજ અને અન્ય ૧૪ સ્થળ પર પોલીસ કર્મચારીઓ માટે કોલ્સ અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત ગીર સોમનાથમાં રામમંદિર ખાતે પોલીસકર્મચારીઓ માટે CPR ટ્રેનિંગ કાર્યક્રમમાં જિલ્લા પોલીસના અધિકારીઓ સહિત ૧૧૦૦થી વધુ પોલીસકર્મીઓએ CPR તાલીમની સાથે અંગદાનનો પણ સંકલ્પ લીધો હતો.નાગરિકોની સલામતી અને સુરક્ષામાં હંમેશા તત્પર રહેતી ગીર સોમનાથ પોલીસનું કાર્ય કોરોનાકાળમાં પણ સરાહનીય રહ્યું હતું. આકસ્મિક સંજોગોમાં લોકોના જીવ બચાવવા માટે CPR ટ્રેનિંગ પોલીસકર્મીઓ માટે ઉપયોગી બને એવા હેતુથી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તેમજ નૉડલ એમ.યુ.એમ.સીના માર્ગદર્શન હેઠળ ફિઝિશિયન ડૉ.યોગેશ ધોળકિયા સહિતના તજજ્ઞો દ્વારા રામમંદિર ખાતે સવારના ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા દરમિયાન ૧૧૦૦થી વધુ પોલીસ કર્મચારીઓને સીપીઆરની સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલિમ આપવામાં આવી હતી.
CPR તાલીમ ઉપરાંત અવસાન પછી શરીર અન્ય કોઈને ઉપયોગી થાય એનાથી ઉપયોગી કોઈ બાબત ન હોય શકે જેથી ‘અંગદાન મહાદાન’ની ઉક્તીને અનુલક્ષી ઉપસ્થિત તમામે દેહદાનનો પણ સંકલ્પ લીધો હતો. નોંધનીય છે કે, કોઈ અકસ્માત થાય કે કોઈ બેભાન થઈ જાય તો આવા કટોકટીના સમયે એમ્બુલન્સ ન આવે ત્યાં સુધી તે વ્યકિતનો જીવ બચાવવો એ પ્રાથમિકતા હોય છે. આ સમયે હાજર પોલીસ કર્મચારી CPR ટ્રેનિંગનો જાણકાર હોય તો જે તે વ્યક્તિનો જીવ બચાવવા માટે ઉપયોગી થઈ શકે છે.