અમદાવાદમાં અમેરિકનો સાથે છેતરપિંડી કરતું કોલ સેન્ટર શિવરંજનીથી પકડાયું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

એમેઝોન કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનું કહીને એકાઉન્ટમાં એરર આવી હોઈ, ડિલિવરીમાં પ્રોબ્લેમનું જણાવી અમેરિકનોને ભોળવીને તેમના કાર્ડની વિગત મેળવી નાણાં પડાવતા કોલ સેન્ટરનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કરી મુખ્ય સંચાલક સહિત ૧૩ જણાંની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે પીએસઆઈ વી.ડી.ખાંટ અને ટીમે શિવરંજની પાસેના ઈસ્કોન સેન્ટરમાં ઓફિસ નં.૩૦૧-૩૦૪ માં રેડ કરતા, અમેરિકન નાગરિકોને છેતરવા માટે તેમનું બેંક બેલેન્સ જાણી પૈસા પડાવવાનું કાવતરું કરતી ગેંગ ઝડપાઇ હતી.

પોલીસે સ્થળ પરથી મુખ્ય સંચાલક વિશાલ શાહ(રહે. રોઝવૂડ ટાવર, જોધપુર, સેટેલાઈટ) અને તેના ૧૩ સાથીદારો એલન સીપરેન ફ્રાન્સિસ, રોશન વર્ગીસ થોમસ વર્ગીસ, રાહુલ ગેગોરી, સ્ટીફન શિંદે, મોહીદ્દીન હલીમ સૈયદ, શિવમ ઉપેન્દ્ર સિંગ, શૈલેષ વિદ્યાધર મુળિક, સૌરભ દાસ, સચિન મષેકર (તમામ રહે. મુંબઈ હાલ માનસી ફ્લેટ, પેન્ટહાઉસ, ગુરુકુળ, અમદાવાદ) અને સલમાન યુસુફ પઠાણ (રહે ફરહાન ડુપ્લેક્સ, ફતેહવાડી, સરખેજ), મિહિર નરેન્દ્ર સાંખલા(રહે. નીલમણિ સોસા, મેમનગર), પ્રતીક રાજ ચૌહાણ અને તબરેજ સઈદ સૈયદ(બંને મૂળ રહે. મુંબઈ હાલ માનસી એપાર્ટમેન્ટ, ગુરુકુળ)ની ધરપકડ કરી હતી. જ્યારે મુંબઈનો કેવિન તથા જોની બંને વોન્ટેડ છે. આરોપીઓ અમેરિકન નાગરિકો, કે જેમણે ખરીદીના ઓનલાઈન ઓર્ડર કર્યા હોય તેમને ફોન કરી એમેઝોન કસ્ટમર કેરમાંથી બોલું છું કહી એમેઝોન એકાઉન્ટની એરર સોલ્વ કરવાના ચાર્જના ૨૦૦-૫૦૦ ડોલર એપલ પે ગિફટ કાર્ડ તેમજ વોલમાર્ટ કાર્ડની વિગત મેળવી તેને વટાવી રૂપિયા મેળવી છેતરપિંડી કરતા હતા.

અમેરિકન નાગરિકો પાસેથી ગિફટ કાર્ડની વિગતો મેળવ્યા બાદ તે કાર્ડની વિગતો કોલ સેન્ટરનો મુખ્ય સૂત્રધાર વિશાલ શાહ મુંબઈના જોનીને આપતો, જોની તે નાણાંની પ્રોસેસ કરી તેના ૪૦ ટકા કમિશન કાપીને બાકીના ૬૦ ટકા નાણાં વિશાલને આંગડિયાથી મોકલી આપતો. વિશાલ પોતે પણ એપલ આઈફોન૫ એસની ટેક્સ નાઉ એપ્લિકેશનના ઉપયોગથી અમેરિકનો સાથે વાત કરી પેમેન્ટ લેતો હોવાનું અને વીસી ડાયલર સોફટવેર વોન્ટેડ મુંબઈના કેવિન પાસેથી મેળવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. પોલીસે પકડેલા તમામ આરોપીઓ ડાયલર અને ક્લોઝર ઓપરેટર તરીકે કામ કરતા હતા અને અમેરિકન નાગરિકો સાથે તેમના દેશમાં ચાલતા નામ જેમ કે ડેવિડ જેક્શન, એલેન ફોકસ, એલેક્ષ, માર્ક જોન્સ, ક્રિસ્ટોફર, રૌલ વગેરે નામ ધારણ કરી અમેરિકન નાગરિકો સાથે વાત કરી વિશ્વાસ કેળવતા હતા.

Share This Article