અમદાવાદમાં 150 કલાકારો દ્વારા પીએમ નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર આધારિત નમોત્સવ દ્વારા પ્રેરણાદાયક રીતે રજૂ કરવામાં આવી

Rudra
By Rudra 4 Min Read

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન, વિચાર, કાર્યસંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જનજન સુધી પહોંચાડવા માટે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસ, સંકલ્પ અને સંસ્કારની યાત્રા છે એમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું.

અમદાવાદના સંસ્કારધામ, ઘુમા ખાતે આયોજિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ કાર્યક્રમમાં જાણીતા કલાકાર સાઈરામ દવે સહિત કુલ ૧૫૦ કલાકારોએ ભાગ લીધો હતો. જેને કેન્દ્રીય ગૃહ મંત્રી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીઓ સહિત સૌ ઉપસ્થિત મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યો હતો.

શાહે કહ્યું કે, નમોત્સવના માધ્યમથી એક એવા જીવનનું પ્રસ્તુતિકરણ થાય છે કે, જેણે માત્ર ૧૧ વર્ષના ટૂંકા ગાળામાં ૧૪૦ કરોડ ભારતીયોના મનમાં ભારત વિશ્વમાં પ્રથમ બનશે એવો દ્રઢ વિશ્વાસ સ્થાપિત કર્યો છે. આ વિશ્વાસ વિચારો, કાર્ય, આયોજન અને અડગ સંકલ્પથી જન્મે છે, અને તે ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ વ્યક્તિએ પોતાનું આખું જીવન એ વિચાર માટે સમર્પિત કર્યું હોય.

શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કોઈ સામાન્ય નેતા નથી, પરંતુ નિયતિને પોતાની નિયતથી ઘડનાર અસાધારણ વ્યક્તિત્વ છે. અનેક નેતાઓ પરિસ્થિતિના કારણે ઊંચાઈએ પહોંચ્યા હોય, પરંતુ નરેન્દ્ર મોદી એવા એકમાત્ર નેતા છે જેમણે નિષ્ઠા, પારદર્શિતા અને રાષ્ટ્રહિતની ભાવનાથી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, અત્યંત ગરીબ પરિવારમાં જન્મ લઈને જીવનની શરૂઆત કરનાર નરેન્દ્ર મોદીજી આજે એવા વડાપ્રધાન છે કે જેમને વિશ્વના ૨૯ દેશોએ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. આ સન્માન માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ ૧૪૦ કરોડ ભારતીયોનું ગૌરવ છે.

શાહે જણાવ્યું કે, વડાપ્રધાન તરીકેના ૧૧ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ૨૭ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા, ૮૧ કરોડ લોકોને મફત અનાજ સુરક્ષા મળી, ૧૧ કરોડથી વધુ ગેસ કનેક્શન, ૧૫ કરોડથી વધુ શૌચાલય, ૧૦ કરોડથી વધુ ઘરોમાં શુદ્ધ પીવાનું પાણી, ૫૬ કરોડ લોકોને બેંકિંગ વ્યવસ્થાથી જોડાણ અને ૪ કરોડથી વધુ પરિવારને પાકા મકાન મળ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પોતાના માટે એક રૂમ પણ ન બનાવનાર વડાપ્રધાને કરોડો ગરીબોને ઘર બનાવી આપ્યા છે. આ જ નીતિ, નિયત અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અમિતભાઈ શાહે જણાવ્યું કે, ઓક્ટોબર ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ જ્યોતિગ્રામ યોજના દ્વારા રાજ્યના દરેક ગામ સુધી ૨૪ કલાક વીજળી પહોંચાડી અને ગુજરાતને વિકાસનું મોડેલ બનાવ્યું. આ જ કાર્યસંસ્કૃતિ આજે સમગ્ર ભારત માટે પ્રેરણા બની છે. તેમણે વધુમાં કહ્યું કે, રામ મંદિર નિર્માણ, કલમ ૩૭૦નો અંત, આતંકવાદ સામે કડક કાર્યવાહી, ભારતનું ચોથું અને ઝડપથી ત્રીજું અર્થતંત્ર બનવું, ડિજિટલ વ્યવસ્થામાં વિશ્વમાં પ્રથમ સ્થાન-આ તમામ સિદ્ધિઓ મજબૂત નિયત અને સ્પષ્ટ દ્રષ્ટિના પરિણામ છે.

શાહે જણાવ્યું કે, નમોત્સવ એક નવી પેઢી માટે પ્રેરણાનું સ્ત્રોત બનશે. દેશના બાળકો, યુવાનો, સામાજિક કાર્યકર્તાઓ અને રાજકીય કાર્યકર્તાઓ માટે આ કાર્યક્રમ જીવનમાં મૂલ્યો, દેશપ્રેમ અને સેવાભાવ જગાવશે. અંતમાં અમિતભાઈ શાહે સંસ્કારધામના આયોજકોનો આભાર માનતા કહ્યું કે, ત્રણ દિવસ સુધી સમાજના તમામ વર્ગોને નમોત્સવ નિહાળવાની તક આપી, તે માટે સંસ્કારધામ અભિનંદનને પાત્ર છે. તેમણે જણાવ્યું કે, નમોત્સવ એ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ નરેન્દ્ર મોદીએ ભારત માટે સ્થાપિત કરેલા માપદંડોને આત્મસાત કરવાની યાત્રા છે.

‘નમોત્સવ’ કાર્યક્રમને નિહાળવા ICC ના ચેરમેન જય શાહ, મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય મંત્રી રિવાબા જાડેજા અને દર્શનાબેન વાઘેલા, રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણી, ભાજપા શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ, સંસ્કાર ધામના ચેરમેન ડૉ. આર. કે. શાહ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article