ભારતના પશુ કલ્યાણ બોર્ડે દેશવાસીઓને અપીલ કરી છે કે, ૧૪ ફેબ્રુઆરી કાઉ હગ ડે મનાવે. ૧૪ ફેબ્રુઆરીએ દુનિયાભરમાં વેલેન્ટાઈન્સ ડે મનાવામાં આવે છે. બોર્ડની અપીલ મુજબ કાઉ હગ ડેનો અર્થ થાય છે ગાયને ગળે લગાવવી. ભારત સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિર્દેશાનુસાર પશુ કલ્યાણ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલી અપીલમાં કહેવાયું છે કે, આપણે બધા જાણીએ છીએ કે, ગાય ભારતીય સંસ્કૃતિ અને ગ્રામિણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ છે. આપણા જીવનને બનાવી રાખે છે અને પશુધન અને જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. માનવતાને બધું આપનારી મા સમાન પોષક પ્રકૃતિ તેને કામધેનુ અને ગૌમાતાના નામથી આપણે જાણીએ છીએ. અપીલમાં આગળ કહ્યું કે, આપણા સમયમાં પશ્ચિમી સંસ્કૃતિની પ્રગતિના કારણે વૈદિક પરંપરા લગભગ વિલુપ્ત થવાની અણી પર છે.
પશ્ચિમી સભ્યતાની ચકાચૌંધે આપણી ભૌતિક સંસ્કૃતિ અને વિરાસતને ભૂલાવી દીધી છે. ગાયના ખૂબ જ વધારે ફાયદા જોતા, ગાયને ગળે લગાવવાથી સમૃદ્ધિ આવશે. વ્યક્તિગત અને સામૂહિક ખુશી વધશે. એટલા માટે ગૌમાતાના મહત્વને ધ્યાનમાં રાખતા ગાય પ્રેમી ૧૪ ફેબ્રુઆરીએ કાઉ હગ ડે તરીકે મનાવી શકે છે અને જીવનને ખુશહાલ અને સકારાત્મક ઊર્જાથી ભરેલું બનાવી શકે છે. અપીલ પત્રના અંતમાં સ્પષ્ટ કર્યુ છે કે, આ સક્ષમ પ્રાધિકારીની મંજુરીથી અને પશુપાલન અને ડેરી વિભાગ, મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિર્દેશ પર જાહેર કરવામાં આવ્યું છે.