મધ્યપ્રદેશના બેતુલમાં ૬ વર્ષિય બાળક ૪૦૦ ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયુ, ગુંગળામણથી થયું મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અવારનવાર ગ્રામિણ વિસ્તારોમાં બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે, તેમ છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી. જેને કારણે માસુમ બાળકોનો ભોગ લેવાય છે. આજે  આવું જ કંઈક મધ્યપ્રદેશના બેતુલમાં જોવા મળ્યું. મધ્યપ્રદેશના બેતુલમાં એક ૬ વર્ષિય બાળક બોરવેલમાં ફસાયું હતું. જોકે, બોરવેલ એટલો ઊંડો હતો કે રેસ્કયુ ટીમ તેમાંથી બાળકનો બચાવ કરી શકી નહીં. આ ઘટનામાં ૮૪ કલાકની જહેમત બાદ પણ રેસ્ક્યુ ટીમને હાથ લાગ્યો બાળકનો મૃતદેહ. ગુંગળામણને કારણે બાળકનું મોત નિપજ્યું હોવાનું પણ પ્રાથિમક તપાસમાં સામે આવ્યું છે. રેસ્ક્યૂ ટીમ સવારે ૩ વાગ્યે બાળકની નજીક પહોંચી હતી. સવારે ૫ વાગ્યા સુધી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને ૭ વાગે બેતુલની જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ૫ તબીબની ટીમે મૃતદેહનું પીએમ કર્યું હતું.

સત્તાવાર માહિતી મુજબ જ્યારે બોરવેલમાં પડી ગયેલાં બાળક તન્મયના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે સડી ગયેલી હાલતમાં હતો. પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેને છાતીમાં ઈન્ફેક્શન અને પાંસળીમાં ઈજા થઈ હતી. તહસીલદાર ગામમાં પરિવાર સાથે પહોંચી ગયા છે. અંતિમ સંસ્કાર માટે નાણાકીય સહાય આપવામાં આવશે. કલેક્ટર અમનબીર સિંહ બેન્સે જણાવ્યું કે બોર ૪૦૦ ફૂટ ઊંડો છે. બાળક લગભગ ૩૯ ફૂટ ઊંડાઈમાં ફસાઈ ગયું હતું. બચાવ ટીમે બોરની સમાંતર ૪૪ ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો. આ પછી ૯ ફૂટની આડી ટનલ ખોદવામાં આવી હતી. તન્મયના કાકાએ જણાવ્યુંકે,  અમે વિચાર્યું હતું કે અમે સફળ થઈશું અને અમારું બાળક પાછું મળી જશે. બચાવ ટીમે દિવસ-રાત પ્રયાસ કર્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોડું થઈ ગયું. જો અમારી પાસે પૂરતાં સંસાધનો હોતો તો એ જ દિવસે તેને બહાર કાઢી લેવામાં આવ્યો હોત તો તે બચી ગયો હોત. ટીમનું કામ સારું હતું, પરંતુ અમે મોડું કર્યું.

Share This Article