ધર્મનગરી ઋષિકેશમાં બનશે ૬ કિમીનો રોપવે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ધર્મનગરી ઋષિકેશ વહીવટી દૃષ્ટિકોણથી મહાનગરપાલિકા છે અને અહીંની વસ્તી ભલે ઓછી હોય પરંતુ જો આખા વર્ષ દરમિયાન અહીં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની વસ્તી ઉમેરવામાં આવે તો અહીંની વસ્તી અનેક ગણી વધી જાય છે. પરિણામે પ્રવાસી સિઝનમાં ઋષિકેશમાં વ્યવસ્થાઓ પાટા પરથી ઉતરી જાય છે. આ દબાણ ઘટાડવા માટે સરકાર હવે ISBTથી ત્રિવેણી ઘાટ અને ત્રિવેણી ઘાટથી નીલકંઠ મહાદેવ અને પાર્વતી મંદિર સુધી છ કિલોમીટર લાંબો રોપવે બનાવવા જઈ રહી છે. આ રોપવે ૩૬ કિલોમીટરના આ અંતરને છ કિલોમીટરમાં ફેરવશે. ઋષિકેશના ધારાસભ્ય અને સરકારમાં શહેરી વિકાસ મંત્રી પ્રેમચંદ અગ્રવાલના જણાવ્યા અનુસાર, અહીં પ્રતિદિવસ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરવા ત્રિવેણી ઘાટ જાય છે. પાર્કિંગના અભાવે જામ અને તમામ પ્રકારની સમસ્યાઓના કારણે લોકોને દોઢથી બે કલાકનો સમય લાગે છે. રોપ-વેના નિર્માણથી ૩૬ કિમીનું આ અંતર ૨૧ મિનિટમાં કાપવામાં આવશે. ISBTથી ત્રિવેણી ઘાટનું અંતર ૨૮ કિલોમીટર છે અને પ્રવાસીઓ રોપવે દ્વારા સીધા ઘાટ પર પહોંચી શકશે. ઘાટથી નીલકંઠ મહાદેવ મંદિરનું અંતર ૮ કિલોમીટર છે. આ રોપવેનું નિર્માણ ઉત્તરાખંડ મેટ્રો કોર્પોરેશન દ્વારા PPP મોડમાં કરવામાં આવશે.

મેટ્રો કોર્પોરેશનના એમડી જિતેન્દ્ર ત્યાગીનું કહેવું છે કે રોપવે માટે ચાર સ્ટેશન બનાવવામાં આવશે. ISBT, ત્રિવેણી ઘાટ, નીલકંઠ અને પાર્વતી મંદિર. આગામી ત્રીસ વર્ષને ટાર્ગેટ કરીને પોઈન્ટ્‌સમાં બનાવવામાં આવી રહેલા આ રોપ-વેની કેટલીક ખાસ બાબતો જુઓ. મેટ્રોએ આ પ્રસ્તાવ સરકારને મોકલી આપ્યો છે. જ્યાં નાણા વિભાગની મંજૂરી બાદ તેને ટૂંક સમયમાં કેબિનેટ સમક્ષ લાવવામાં આવશે. ત્યાગીનું કહેવું છે કે આ પ્રોજેક્ટ પ્રવાસન વિકાસના દૃષ્ટિકોણથી પણ ફાયદાકારક સાબિત થશે. પરંતુ, બધું એટલું સરળ પણ નથી. વાસ્તવમાં ૩૬માંથી ૧૨ ટાવર રાજાજી નેશનલ પાર્કની અંદર લગાવવામાં આવશે. આ માટે પાર્કની લગભગ ૧૩૦૦ ચોરસ મીટર જમીન સંપાદિત કરવામાં આવશે, જે ખુબ જ પડકારજનક કામ છે. ઉલ્લેખનિય છે કે કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે જેવી વડાપ્રધાનની મહત્વકાંક્ષી યોજનાઓ પણ પાર્ક વિસ્તારમાં પડવાના કારણે લટકી પડી છે. આ પ્રોજેક્ટ્‌સના માર્ગમાં વન્યજીવ અધિનિયમ ( વાઈલ્ડલાઈફ એક્ટ) આડા આવી રહ્યાં છે. રાજાજી નેશનલ પાર્ક ટાઈગર રિઝર્વ હોવાને કારણે NTCA સહિતની તમામ સંસ્થાઓ પાસેથી વન્યજીવ ધારા સાથે એનઓસી લીધા બાદ જ રોપ-વે માટેનો રસ્તો સાફ થશે.

Share This Article