૩૦ વર્ષની મોડલે “મને શાંતિ જોઈએ છે” નોટમાં લખીને કરી આત્મહત્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈના અંધેરી વિસ્તારમાં એક ૩૦ વર્ષીય મોડલનો મૃતદેહ એક હોટલના રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. વર્સોવા પોલીસે ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ કબજે કરી છે અને ADR (આકસ્મિક મૃત્યુ રિપોર્ટ) હેઠળ કેસ નોંધીને વધુ તપાસ શરૂ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એવી શંકા છે કે મૃતક મોડેલ છેલ્લા કેટલાક મહિનાઓથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ ન મળવાને કારણે કથિત રીતે ડિપ્રેશનમાં હતી. એક અધિકારીએ જણાવ્યું કે, તે લોખંડવાલાની યમુના નગર સોસાયટીની રહેવાસી હતી.

વર્સોવા પોલીસને હોટલના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં લખ્યું હતું કે, ‘મને માફ કરજો. મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. હું ખુશ નથી, મારે માત્ર શાંતિ જોઈએ છે.’ હાલ, પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું કે, મોડલે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો અને બુધવારે રાત્રે લગભગ ૮ વાગ્યે તેણે ચેક ઇન કર્યું હતું.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેણીએ ડિનરનો પણ ઓર્ડર આપ્યો હતો અને હોટલના રૂમમાં જ ડિનર લીધું હતું. જોકે, સવારે હોટલના સ્ટાફે બેલ વગાડતાં તેણે દરવાજો ખોલ્યો ન હતો. જ્યારે કર્મચારીઓને કંઈક અજુગતું થયું હોવાની શંકા જતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. આ બાદ, પોલીસની હાજરીમાં હોટલના સ્ટાફે માસ્ટર કીનો ઉપયોગ કરીને રૂમનો દરવાજો ખોલ્યો તો મોડલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. તેમનો મૃતદેહ પંખાથી લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસ તેને પંખા પરથી નીચે ઉતારીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી., જ્યાં ડોક્ટરો દ્વારા મોડલને મૃત જાહેર કરવામાં આવી હતી.

Share This Article