વિશ્વમાં એવી અનેક ઘટનાઓ બને છે જેનો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ થતો હોય છે. પરંતુ આ વખત એવી એવી ઘટના છે જે સૌથી અલગ છે. માત્ર ૧૬ વર્ષની ઉંમરે બ્રિટિશ-બેલ્જિયન પાયલોટ મેક રૂથરફોર્ડ એકલો એક પ્લેનમાં વિશ્વની પરિક્રમા કરનારો સૌથી યુવાન વયનો પાયલોટ બનવા માટે નીકળી પડ્યો છે. અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. આ દરમિયાન માર્કના પ્લેનમાં ઈંધણ પણ ભરવાનું હોવાથી તેણે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. વરસાદમાં વિમાનને ઉતારવા માટે અમદાવાદ એરપોર્ટની ટીમે માર્કની મોટી મદદ કરી હતી. મેક રૂથરફોર્ડે ગત માર્ચ મહિનામાં નાનકડા વિમાનમાં પોતાની આ સફરની શરૂઆત કરી હતી.
ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રૂથરફોર્ડે ૨૩ માર્ચના રોજ બલ્ગેરિયન કેપિટલ સોફિયા ખાતેથી પોતાની આ સફરની શરૂઆત કરી હતી. મેક એકલા ચાલોની જેમ એકલો જ વિશ્વની પરિક્રમા કરવા માટેનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનું લક્ષ્ય ધરાવે છે. અત્યારે આ રેકોર્ડ ૧૮ વર્ષીય ત્રાવીસ લુડલોના નામે બોલે છે જેણે ગત વર્ષે પોતાની હવાઈ પરિક્રમા પૂર્ણ કરી હતી. રૂથરફોર્ડ સિંગલ એન્જિન ધરાવતા શાર્ક એરો શાર્ક યુએલ પ્લેનમાં આ સફર માટે નીકળી પડ્યો છે.
અમદાવાદ એરપોર્ટના સુત્રો અનુસાર આ પ્લેનના ઉત્પાદક શાર્ક એરોએ રૂથરફોર્ડના આ અભિયાનને ખૂબ જ જોખમી ગણાવીને તેના પ્રોજેક્ટમાં પાર્ટનર બનવાની ના પાડી દીધી છે. રૂથરફોર્ડના માતા-પિતા પણ પાયલોટ્સ છે. તેમણે મેક જ્યારે માત્ર ૭ વર્ષનો હતો ત્યારથી તેને એરક્રાફ્ટ કન્ટ્રોલ કરવાનું શીખવ્યું હતું. તેણે જુલાઈ ૨૦૨૦માં ૧૫ વર્ષની ઉંમરે પાયલોટ લાઈસન્સ મેળવ્યું હતું અને વિશ્વનો સૌથી યુવાન પાયલોટ બન્યો હતો. રૂથરફોર્ડની બહેન ઝારા પણ વિશ્વની પરિક્રમા કરનારી સૌથી યુવાન મહિલા પાયલોટ બની હતી અને મેકને તેમાંથી જ આગળ વધવાની પ્રેરણા મળી હતી. બહેનના પગલે ચાલીને તેણે એકલપંડે વિશ્વની હવાઈ પરિક્રમા કરનારા સૌથી યુવાન પાયલોટ બનવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો નિર્ધાર કર્યો છે. માર્ક ભારે વરસાદને કારણે અમદાવાદમાં રોકાયો હતો. ત્યાર બાદ તે સોમવારે દિલ્હી જવા રવાના થયો હતો. દિલ્હીથી તે કોલકાતા અને ત્યાંથી થાઈલેન્ડ રવાના થશે.