સુરત : આરોપી અને પીડિતા વચ્ચે પ્રેમસબંધ હોવાથી પતિ-પત્ની તરીકે રહ્યા ભોગ બનનાર સગીર હોઈ કાયદાની દ્વષ્ટિએ તેની સંમતિ પણ નિરર્થક છે. મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની 28 વર્ષીય આરોપી વિજય વાસુદેવ બલાઈને ગઈ તા. 27 જૂન 2018ના રોજ પોતાની સાથે મજુરીકામ કરતી ફરિયાદી માતાની 15 વર્ષની તરૂણીને લગ્નની લાલચે કાયદેસરના વાલીપણાના કબજામાંથી ભગાડી ગયો હતો.
આરોપીએ ભોગ બનનાર તરુણીને સણવાદ, ઈન્દોર, દિલ્હી એમ અલગ અલગ સ્થળે પોતાની સાથે ત્રણ વર્ષ રાખીને પતિ-પત્ની તરીકેના સંબંધો રાખી એકથી વધુ વાર દુષ્કર્મ આચર્યું હતુ. જે અંગે ભોગ બનનારની માતાએ આરોપી વિરુધ્ધ આરોપી વિજય બલાઈ વિરુધ્ધ સચીન પોલીસમાં નોંધાવેલી ફરિયાદના ત્રણ વર્ષ બાદ મે-2023ના રોજ ભોગબનનાર તરૂણી સાથે આરોપીને ઝડપીને જેલ ભેગો કરવામાં આવ્યો હતો. હાલમાં શરતી જામીન મુક્ત આરોપી વિરુદ્ધના કેસની કાર્યવાહીની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે બનાવના ત્રણ વર્ષના વિલંબ બાધ થયેલી ફરિયાદનો ખુલાસો ન કરવા તથા ખોટી ફરિયાદ કર્યાનો બચાવ લીધો હતો. ખુદ ભોગ બનનારને પોતાની વય 23 વર્ષની હોવાનું ઓફીડેવિટમાં જણાવ્યું છે. જેથી બનાવ સમયે તેની ઉંમર 20 વર્ષની હોવાનું ફલિત થાય છે.આરોપી તથા ભોગ બનનાર વચ્ચે પ્રેમસંબંધ તથા સંમતિ હોવાનું તથા ફરિયાદપક્ષના પુરાવા વિરોધાભાસી હોઈ આરોપીને નિર્દોષ છોડવા માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 13 સાક્ષી તથા 32 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.
કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત ગુનામાં સખ્તકેદ, દંડ તથા ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે બનાવ સમયે ભોગ બનનારની વય 14 વર્ષ 8 માસની હોઈ આરોપીએ ત્રણ વર્ષ સુધી પતિ-પત્ની તરીકે સાથે રહેવા દરમિયાન સંખ્યાબંધ વાર શરીરસંબંધ બાંધ્યા છે.