વડોદરામાં માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો. શહેરમાં હિંચકા પર રમતાં બાળકનું મોત નિપજ્યું. 10 વર્ષના બાળકનું મોત નિપજતાં પરીવારમાં શોકનો માહોલ છવાયો. હિંચકા પર હસતું રમતું બાળક અચાનક અકસ્માતનો શિકાર થયો. 10 વર્ષનો બાળક હિંચકા પર રમતો હતો દરમ્યાન ગળામાં પહેરેલ ટાઈના કારણે ગળેફાંસો આવી જતા કરુણ મોત નિપજ્યું.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં નવાપુરાના લક્ષ્મી ફલેટમાં કાળજું કંપાવતી ઘટના બનવા પામી. લક્ષ્મી ફલેટમાં પટેલ પરીવાર રહે છે. પટેલ પરીવારનો 10 વર્ષનો પુત્ર ઘરની બહાર લગાવેલા હિંચકા પર રમતો હતો. દરમ્યાન ગળાની ટાઈના કારણે ગળે ટૂંપો આવી ગયો હતો જેના બાદ તે બેભાન થઈ ગયો. પરીવારને આ બાબતની જાણ થતાં તેમના પુત્રને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. જ્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કરતાં માતા-પિતા પર આભ તૂટી પડ્યું.
નવાપુરામાં રહેતા ધરમભાઈ પટેલના પરીવારમાં લાંબા સમય બાદ ઘરમાં બાળકની કિલકારીઓ ગુંજી હતી. ધરમભાઈના લગ્નજીવનના 20 વર્ષ બાદ પુત્રનો જન્મ થતાં પરિવાર બહુ આનંદિત હતો. પરંતુ આ આનંદ ગઈકાલે શોકમાં પરિણમ્યો. ગતરોજ તેમના 10 વર્ષના બાળકનું અકાળે અવસાન થતાં માતાપિતા ઘેરા આઘાતમાં છે. હિંચકા ખાતા બાળકનું ગળાની ટાઈ હિંચકાના હૂકમાં ફસાઈ જતા આ ઘટના બનવા પામી હતી. પરિવાર સામાજિક કામ પતાવ્યા બાદ ઘરે પરત ફરતા બાળક અગાસીમાં રાખેલ હિંચકામાં રમવા ગયો. ત્યારે તેમને ખબર પણ નહી હોય કે આ ક્ષણ તેમના જીવનમાં કેટલી ભયાનક બની રહેશે. હિંચકા પર રમતાં ગળાની ટાઈ હૂકમાં ફસાઈ જતાં બાળક બેભાન થયો. અને તેને સારવાર માટે માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. પરંતુ સારવાર દરમ્યાન બાળકનું મોત નિપજયું. ડોક્ટરનું કહેવું છે કે 10 વર્ષીય રચિત પટેલની ગળામાંની ટાઈ તેના માટે ફાંસો બની ગઈ. અને શ્વાસ રૂંધાતા બાળક બેભાન થયો. સારવાર દરમ્યાન બાળકને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો. વ્હાલસોયાના અકાળે મોતથી પરિવાર કલ્પાંત કરી રહ્યો છે.