સુરતના રામપુરામાં ૧ વર્ષીય બાળક રૂમમાં ફસાઇ જવાની ઘટના સામે આવી છે. રામપુરાના હરીપુરા સોસાયટીમાં આવેલા મકાનમાં બાળક ફસાઇ ગયું હતું. જે બાદ બાળકને બચાવવા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે મકાનની અગાશી પરથી દોરડું બાંધીને રેસ્ક્યુ કર્યું હતુ.ફાયર મેન દોરડાની મદદથી બારી મારફતે રૂમમાં પ્રવેશ્યો હતો અને ૧ વર્ષીય બાળકને સલામત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. જે પછી ફાયર વિભાગે બંધ રૂમમાંથી સલામત રીતે બાળકને બહાર કાઢ્યો હતો.સુરતના રામપુરામાં સાંજના સમયે એક વર્ષનો બાળક પોતાના ઘરમાં રમી રહ્યો હતો. ત્યારે બાળકની માતા લોબીમાં ઉભી હતી અને તેના પિતા બહાર કામ અર્થે ગયા હતા. આ દરમિયાન બાળકે રમતા રમતા ભુલથી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. જે પછી બાળક અંદર ફસાઈ જતા માતા ગભરાઇ ગયા હતી. બાળક પણ જોર જોરથી રડવા લાગ્યો હતો.
બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર ઓફિસર મહેશ પટેલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.ફાયર વિભાગની ટીમે અગાસી પરથી દોરડું નાખીને રેસ્ક્યૂ શરુ કર્યુ હતુ. ફાયર મેન માર્શલ વિશાલ ધવણેએ બાળક જે મકાનમાં ફસાયો હતો તેમાં બારી દ્વારા પ્રવેશ કર્યો હતો. એક ટીમે ધાબા પરથી દોરડું નાખી માર્શલને સપોર્ટ આપ્યો હતો અને ત્યારબાદ દોરડું પકડીને માર્શલ વિશાલ ધવણે બાળક જે મકાનમાં ફસાયો હતો ત્યાંથી બાળકને રેસ્ક્યૂ કરી લીધું હતો. બાળકનું સહી સલામત રેસ્ક્યૂ થઇ જતા પરિવારે રાહતનો દમ લીધો હતો. જે પછી પરિવારમાં ખુશીનો પાર રહ્યો ન હતો અને પરિવાર સહિતના લોકોએ ફાયર વિભાગની કામગીરીને બિરદાવી આભાર માન્યો હતો.