આપણે આ પહેલા બે વાર સોશિયલ મીડિયા એટીકેટ્સ વિશે હળવાશ સભર વાતો કરી. હવે આપણે વાત કરીશું સિનિયર સિટિઝન, જે નવુ નવુ સોશિયલ મીડિયા શિખ્યા છે. તેમને ઉપયોગી કેટલીક વાતો કિસ્સાઓ દ્વારા…
- ૫૫ વર્ષનાં મણિકાકી નવુ નવુ ફેસબુક અજમાવી રહ્યાં છે. અમેરિકામાં રહેતા તેમનાં દિકરા સાથે તેની ટાઈમલાઈન પર વાતો કરે છે અને ત્યાં દિકરાને પૂછે છે કે રાત્રે તને પેટમાં ગેસ થઈ ગયો હતો, તો હવે કેવું છે…? તેમને એ પણ નથી ખબર કે દિકરાનાં ૧૦૦૦થી વધુ ફ્રેન્ડ છે જે આ પોસ્ટ વાંચે છે.
- વર્માભાઈ નવુ નવુ ઈન્ટરનેટ શીખ્યા છે. સિનિયર સિટિઝન પાર્ટીમાં કોઈએ તેમનું ઈમેલ આઈડી માગ્યુ તો તેમણે કહ્યું કે મારા વોટ્સએપ સ્ટેટસમાં જોઈ લે જે. સ્ટેટસમાં લખ્યું હતું કે માય ઈમેલ આઈડી : [email protected] એન્ડ પાસવર્ડ : jayambe.
- મદનભાઈને નવુ નવુ ફેસબુક લાઈવ કરતા આવડ્યું છે. ઘરમાં મેચ જોતા જોતા પણ ફેસબુક લાઈવ કરી દે. એકવાર તો ફેસબુક લાઈવ કરીને ભૂલી ગયા અને પાછા મોબાઈલ સામુ શર્ટ કાઢીને ચેન્જ કરવા લાગ્યા. ભત્રીજાએ તાબડતોબ કોલ કર્યો અને કહ્યું કે લાઈવ બંધ કરો…તમારી ગંજીનાં કાણા બધા દેશમાં બેઠેલા ફ્રેન્ડ્સ જુએ છે.
- સુનિલભાઈએ ઓફિસમાં રજા લીધી હતી અને એવુ કહ્યુ હતુ કે અંગત કામ અનુસાર આઉટ ઓફ સ્ટેશન છે, બરાબર એ જ દિવસે પત્ની સુલક્ષણાએ ફેસબુક પોસ્ટ કરી..ચેકઈન એટ હોમ, સર્વોદય નગર ઈટીંગ દાળઢોકળી વીથ હસબન્ડ સુનિલ પટેલ એન્ડ થ્રી અધર્સ.
- રૂપાકાકી હોટલમાં જમવા ગયા અને ભરબપોરે પોસ્ટ મુકી કે એન્જોઈંગ ડીનર વીથ પીયરનાં ભાઈભાંડુ.
- વિજયાભાભીએ તો હદ કરી. પૌત્રીનું માથુ ઓળતા સવારે એક જૂ દેખાઈ. ઝૂમ કરીને તેનો ફોટો પાડીને ઈનસ્ટાગ્રામ પર મૂકી દીધો અને નીચે લખ્યુ…. સ્કૂલ ગર્લનાં માથામાં જોવા મળતુ ક્રીચર્સ.
- શાંતાબા અને કંચનબા ક્યારેક ભૂલી જાય કે તેઓ વોટ્સ્ એપ ફેમિલી ગ્રુપમાં ચેટ કરી રહ્યાં છે અને પર્સનલ ચેટ એટલે કે વહુંની ખોદણીઓ સરેઆમ કરવા લાગે.
- દિપકનાં પપ્પા કાયમ ફેસબુકની કમેન્ટબોક્સમાં તેને યાદ અપાવે કે ભાઈ તારા ઈનશ્યોરન્સનું પ્રિમિયમ ભરી આવજે હો..…વધુ આવતા અંકે…