હજારો વર્ષો પછી પણ અન્ય કચરાની જેમ પ્લાસ્ટિકની બેગ્સ કે અન્ય મટિરિયલ કુદરતી રીતે નાશ નથી પામતુ. પરદેશમાં બેક્ટેરિયા અને ફૂગ થકી પ્લાસ્ટિકને ડિગ્રેડ કરવા માટેના પ્રયોગોને સફળતા મળી છે. સ્થાનિક વાતાવરણમાં પણ ઉગી શકે અને પ્લાસ્ટિકને ડિગ્રેડ કરી શકે તેવી ૧૦ ફૂગ સંશોધકોએ આઈડેન્ટિફાય કરીને તેના પર પ્રયાગો શરુ કર્યા છે આ જ પ્રકારના પ્રયોગો એમ.એસ. યુનિવર્સિટીના બોટની વિભાગના સંશોધકો હાલમાં કરી રહ્યા છે.
ભારતના અત્યંત ગરમ વાતાવરણમાં ટકીને પ્લાસ્ટિકને ડિગ્રેડ કરી શકે તેવા બેક્ટેરિયા અને ફૂગ આઈડેન્ટિફાય કરવાના તેમના પ્રયત્નોને સફળતા પણ મળી છે. જીએસએફસીના સાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન એસ કે નંદાએ વિશેષ રસ લઈને આ પ્રોજેક્ટ માટે ૯ લાખ રૃપિયાની ગ્રાંટ ફાળવી છે.
બોટની વિભાગના વરિષ્ઠ અધ્યાપક સુઝી આલબર્ટ તેમજ અમી પઢિયારના માર્ગદર્શન હેઠળ રિસર્ચ સ્ટુડન્ટ મીતુ મેવાડા દ્વારા આ માટે સંશોધન હાથ ધરાયુ છે. રિસર્ચ સાથે સંકળાયેલા અધ્યાપક અમી પઢિયારનુ કહેવુ છે કે અમે પ્લાસ્ટિક ડિગ્રેડ કરે તેવી ફૂગ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. વડોદરામાં જ મળતી ૧૦ ફૂગ અમે આ પ્રોજેક્ટ માટે અલગ તારવી છે. કોઈ પણ પ્લાસ્ટિક પોલિથિલિનમાંથી જ બનતુ હોય છે.
પોલિથિલિનમાં કાર્બન અને હાઈડ્રોજનના પરમાણુ બહુ મજબૂતાઈથી એક બીજા સાથે જોડાયેલા હોય છે.પ્લાસ્ટિક ડિગ્રેડ કરી શકતી ફૂગઆ પરમાણું વચ્ચેના જોડાણને તોડી નાંખે છે. એ પછી તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આમ પ્લાસ્ટિક ડિગ્રેડ થયા બાદ ખતમ થઈ જાય છે. તેમનુ કહેવુ છે કે જે ફૂગ અમે આઈડેન્ટિફાય કરી છે તેના પર લેબોરેટરીમાં હાલમાં પરિક્ષણ ચાલી રહ્યુ છે. જેના હકારાત્મક પરિણામો પણ મળ્યા છે. જોકે માનવ શરીર માટે આ ફૂગ હાનિકારક છે કે કેમ તેની ચકાસણી હજી ચાલુ છે.