પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન દરમ્યાન રાજ્યમાં કચરાના ઢગલાઓ દૂર કરી સ્વસ્થ-તંદુસ્ત ગુજરાતના નિર્માણની સંકલ્પબધ્ધતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વ્યકત કરી છે.
વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂનથી ૧૧ જૂથ દરમ્યાન રાજ્યમાં યોજાઇ રહેલા પર્યાવરણ સ્વચ્છતા અભિયાન તહેત મુખ્યમંત્રીએ આજે અમદાવાદના સાણંદમાં માર્ગોની સફાઇ કરીને શ્રમદાન કર્યુ હતું. મુખ્યમંત્રીએ સાણંદ નગરના બસમથક પાસે ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ કરીને સાણંદ નગરપાલિકાના આ સ્વછતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
વિજયભાઇ રૂપાણીએ એવો પણ સંકેત આ અવસરે આપ્યો કે, રાજ્યના ૪૦૦ જેટલા મોટા શહેરો-નગરોમાં કચરો બહાર ફેંકવા સામે દંડાત્મક કાર્યવાહી કરવાની દિશામાં પણ રાજ્ય સરકાર વિચારાધિન છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સાણંદ ઉદ્યોગને આધારે સમગ્ર વિશ્વમાં જાણીતું શહેર બન્યું છે ત્યારે સાણંદની સ્વચ્છતાને પણ વિદેશના લોકો આવકારે તેવું ચોખ્ખુ ચણાક બનાવવું છે. સાણંદને સ્વચ્છ રાખવા માટે ૮ હજાર ડસ્ટબિનનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું તેની તેમણે પ્રશંસા કરી હરી.
તેમણે કહ્યું કે, કોઇ પણ વ્યકિત જાહેરમાં કચરો ન ફેંકે તે માટેની સમજણ અને જનજાગૃતિ આ અભિયાન અંતર્ગત જગાવવામાં આવશે. પ૧ હજાર જેટલી શણની થેલીઓ–જ્યુટ બેગ્સનું વિતરણ પણ આ અભિયાનના સપ્તાહ દરમ્યાન કરાશે.
આ સ્વચ્છતા અભિયાન અવસરે ધારાસભ્ય કનુભાઈ, પૂર્વ સાસંદ અને ધારાસભ્યો સહિત વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.