દેશમાં રૂપિયા એક હજાર અને પાંચસો રૂપિયાની નોટ બંધ થઇ ગઇ છે, તેને પણ દોઢ વર્ષ વીતી ગયું છે. તેમ છતાં રોજ હજાર કે પાંચસોની નોટ ક્યાંક ને ક્યાંક પકડાવાનો સિલસિલો ચાલી રહ્યો છે. હાલમાં જ દિલ્હીથી નાસી છુટેલા 10 શાતિર લોકોને ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદમાં દબોચી લેવામાં આવ્યા છે. આ 10 લોકો ભારતથી નેપાળ લઇ જઇને આ નોટને બદલવાનું કામ કરતાં હતા. ઘણા લાંબા સમય પછી તેઓ આ કામને અંજામ આપી રહ્યાં હતા.
ગાઝીયાબાદ પોલીસે બે ગાડીમાંથી એક કરોડ જેટલી જૂની કરંસી ઝડપી છે. પોલીસે ઘટનાસ્થળેથી 10 લોકોને પકડ્યા હતા. પોલીસે એક કરોડ રૂપિયા, બે કાર અને આઠ જેટલા મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર નેપાળના કેટલાક કસીનોના નામ સામે આવ્યા છે. જ્યાં આ કરંસી મોકલવામાં આવતી હતી અને ત્યાંથી ભારતની જૂની કરંસીને બદલવામાં આવતી હતી. ભારતમાંથી જેટલા રૂપિયા ત્યાં લઇ જવામાં આવતા હતા તેમાંથી તેમને 1 % કમિશન આપવામાં આવતું હતું.
નેપાળ ફરવા જનાર ભારતીય ટુરિસ્ટ નેપાળના અમુક કસીનોમાં જઇને જૂની 1000 રૂપિયાની નોટ આપે તો 800 નેપાલી રૂપિયા મળે છે. જ્યારે 500 રૂપિયાની નોટના 400 નેપાળી કરંસી મળે છે. નેપાળના આ કસિનોમાં ખૂબ સરળતાથી ભારતીય કરંસી બદલવામાં આવે છે.
ગાઝીયાબાદ પોલીસે જણાવ્યું હતુ કે, આ બાબતની જાણકારી ઇન્કમટેક્ષ વિભાગને આપી દેવામાં આવી છે. હવે ભારતમાં કેટલી જગ્યાએ આ વેપાર થતઇ રહ્યો છે, તે પોલીસ સામે ક્યારે લાવે છે, તે સમય જ બતાવશે.