વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂનથી એક સપ્તાહ માટે શરૂ થયેલા રાજ્યવ્યાપી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સાણંદમાં નેતૃત્વ કરશે. મુખ્યમંત્રી બુધવારે સવારે ૯ વાગ્યે અમદાવાદ જિલ્લાના સાણંદ પહોચશે અને પર્યાવરણ-સ્વચ્છતા અભિયાનમાં જોડાશે.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે સમગ્ર મે મહિના દરમિયાન રાજ્યમાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત જળાશયો અને જળસ્ત્રોતો ઊંડા કરવાનું અભિયાન સફળતાપૂર્વક હાથ ધરાયું. મુખ્યમંત્રીએ આ અભિયાનની અનુગામી કામગીરી તરીકે વિશ્વ પર્યાવરણ દિવસની મુખ્ય થીમને સાંકળી લઇને એક અઠવાડીયા સુધી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરીને ગુજરાતને પ્લાસ્ટિક પ્રદૂષણમુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરીને આ માટે વિશેષ આયોજન કર્યું છે.
તદઅનુસાર, રાજયના તમામ મહાનગરો, નગરો-શહેરો, તાલુકા મથકો, રૂર્બન વિસ્તારના ગામો અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના આઉટગ્રોથના વિસ્તારો નદી-નાળાં, જળાશયો, મુખ્યમાર્ગો અને ધાર્મિક સ્થળોએથી પ્લાસ્ટિકનો કચરો અને ગંદકી દૂર કરવા પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.
આ રાજ્યવ્યાપી અભિયાનમાં વન અને પર્યાવરણ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, માર્ગ-મકાન વિભાગ તથા ગ્રામ વિકાસ વિભાગ સહિત સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ જોડાશે.