વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વપરાશયુકત બધા જ પ્લાસ્ટીકનું રિસાયકલીંગ કરીને પ્લાસ્ટીકથી થતું પ્રદૂષણ નિવારવાની દિશામાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યકત કરી છે.
વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતીમાં મહાત્મા મંદિરમાં વિશ્વ પર્યાવરણ દિવસે યોજાયેલ ‘બીટ ધ પ્લાસ્ટીક પોલ્યુશન’ થીમ આધારિત પરિસંવાદને ખૂલ્લો મૂકયો હતો.
આપણી સંસ્કૃતિમાં ધરતીને માતા, નદીને લોકમાતા, દરિયાને દેવ તરીકે પૂજીને વહેવારો-તહેવારોને પર્યાવરણ સાથે જોડીને ઉજવવાની પરંપરાથી બેલેન્સ જળવાયું છે. તેમ જણાવતા મુખ્યમંત્રીએ આ અંગેની રાજ્ય સરકારની કેટલીક નક્કર યોજનાઓની પણ આ તકે ઘોષણા કરી હતી.
- પ્લાસ્ટીક બોટલ્સના રિસાયકલીંગ માટે રિવર્સ વેન્ડીગ મશીન : મુખ્યમંત્રીએ પર્યાવરણ જાળવણીથી સમૃધ્ધિ યોજના અંતર્ગત રાજ્યમાં પાણી, ઠંડા પીણા વગેરેની PET-પ્લાસ્ટીક બોટલ્સના રિસાયકલીંગ માટે રાજ્યભરમાં મોટાપાયે રિવર્સ વેન્ડીગ મશીન RVM લગાવવાની જાહેરાત કરી હતી.
આવા મશીન મૂકવાને પરિણામે રેગ-પીકર્સ પ્લાસ્ટીક કચરો વીણનારા દરિદ્રનારાયણો, ભિક્ષુકો અને સમાજના અતિ આર્થિક પછાત લોકોને આર્થિક આધાર મળશે. હાલ આવી બોટલ માટે બોટલ દીઠ ૩૦ પૈસા વળતર તેમને મળે છે તેમાં વધારો થઇને ૧ રૂપિયો મળતો થશે. આવા RVMમાં બોટલ્સ નાખનારી વ્યકિતને પણ રૂ. ૧ નું વળતર મળશે તેમ જણાવ્યું હતું.
આ યોજના માટેના ટેન્ડરીંગ અને વહિવટી પ્રક્રિયા એક સપ્તાહમાં કરી દેવાશે. આ નવતર અભિગમને પરિણામે પ્લાસ્ટિક પ્રદૂષણ નિયંત્રીત થશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
- પ૦ માઇક્રોનથી ઓછી જાડાઇની પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ-વપરાશ સદંતર બંધ થાય તે માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં મુખ્યમંત્રીએ આ માટે ઉત્પાદકોને વિશ્વાસમાં લઇ વિન-વિન સ્થિતી નિર્માણ કરવાના હેતુસર તલસ્પર્શી અભ્યાસ માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરીને નિર્ણય કરવાનો સંકેત આપ્યો હતો.
- અમદાવાદ મહાનગરને એર પોલ્યુશનથી મૂકત કરવા આ હવા પ્રદૂષણના કારણો એક ઉચ્ચકક્ષાની સમિતી બનાવી એક મહિનામાં અહેવાલ આપવા પણ તેમણે સુચવ્યું હતું.
- મુખ્યમંત્રીએ પ્લાસ્ટિક હટાવ-પર્યાવરણ સ્વચ્છતા અભિયાન સમગ્ર રાજ્યમાં પાંચમી જૂનથી ૧૧મી જૂન સુધી યોજવાની જાહેરાત કરતાં કહ્યું કે, રાજ્યના તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા મથકો સહિત ૪૦૦ ઉપરાંત નગરોમાં અને તેની ર કિલો મીટરની પેરીફેરીમાં આ અભિયાન વ્યાપક સ્વરૂપે હાથ ધરાશે.
- મુખ્યમંત્રીએ રાજ્યમાં ઊદ્યોગો ચુસ્તતાપૂર્વક પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન કરે તેની હિમાયત કરતાં સ્પષ્ટપણે કહ્યું કે, પ્રદૂષણ ફેલાવતા ઊદ્યોગો સામે રાજ્ય સરકાર કલોઝર નોટિસ સહિતના પગલાં લઇ રહી છે અને ભવિષ્યમાં પણ પ્રદૂષણ નિયંત્રણ માટે કડક કાર્યવાહી કરવા સરકાર પ્રતિબધ્ધ છે.