કેન્દ્ર સરકારે રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં સૈન્ય કાર્યવાહીને હાલ અટકાવવાનો નિર્ણય લીધો હતો. જોકે આ સ્થિતિ વચ્ચે કાશ્મીરમાં ગ્રેનેડ વડે હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. શોપિયાં જિલ્લામાં આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. અહીંના ભીડ વાળા માર્કેટને નિશાન બનાવીને આતંકીઓએ ગ્રેનેડ બ્લાસ્ટ કર્યો હતો. જે ૧૬ લોકો આ બ્લાસ્ટમાં ઘવાયા છે તેમાં ૧૨ સ્થાનિક નાગરીકો છે.
જ્યારે ચાર પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આતંકીઓ આ બ્લાસ્ટને અંજામ આપીને નાસી છુટયા હતા. સમગ્ર વિસ્તારને હાલ કોર્ડન કરીને આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. રમઝાન મહિનામાં આશરે ૧૬મી વખત ગ્રેનેડ હુમલો કર્યો છે. જ્યારે ચાર દિવસમાં જ ૧૪મી વખત આતંકીઓએ હુમલો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે થયેલા ગોળીબારમાં બે જવાનો શહીદ થયા હતા ત્યારે હવે વધુ એક ગોળીબાર અખનૂર સેક્ટરમા કર્યો હતો. એક તરફ કાશ્મીરમાં ગ્રેનેડ અને અન્ય હુમલા જારી છે ત્યારે બીજી તરફ સરહદે પાકિસ્તાન દ્વારા ગોળીબાર પણ જારી છે. ૪૮ કલાકમાં બીજી વખત પાકિસ્તાને શસ્ત્ર વિરામનો ભંગ કર્યો છે. ૨૯મી મેએ ડીજીએમઓ વચ્ચે બેઠક યોજાઇ હતી અને બન્ને દેશોએ ૨૦૦૩ના શસ્ત્ર વિરામ કરારોનું પાલન કરવા માટે કટીબદ્ધ થયા હતા. જોકે પાકિસ્તાને હવે ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવાનું શરૂ કરી દીધુ છે.