અમદાવાદથી બેંગકોક જઇ રહેલી સ્પાઇસ જેટની ફ્લાઇટનું ટાયર ફાટતા તેમાં સવાર ૧૮૮ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટનાને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલના એરપોર્ટનો રન-વે રાત્રે ૭:૩૦થી અઢી કલાક માટે બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ ખાતે અવરજવર કરતી ૩ ડઝનથી વધુ ફ્લાઇટના શેડયૂલ દોઢ કલાકથી વધુ સમય માટે ખોરવાયા છે અને ૮થી વધુ ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્પાઇસ જેટની ફ્લાઇટ SG-85 રાત્રે ૭:૨૮ કલાકે અમદાવાદથી બેંગકોક જવા માટે રવાના થઇ રહી હતી. ફ્લાઇટ ટેક્ ઓફ કરે તેની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યાં જ બ્લાસ્ટ થયો હોય તેવો ધમાકો થયો હતો. મુસાફરનો કાનના પડદા ફાડી દે તેવા આ બ્લાસ્ટથી ભયનો માહોલ છવાઇ ગયો હતો. તાકીદે તેની જાણ એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરમાં કરવામાં આવી હતી અને મુસાફરોને સાવચેતીપૂર્વક ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવવા માટે તાકીદે પહોંચી ગઇ હતી.
આ અંગે અમદાવાદ એરપોર્ટના ડિરેક્ટર મનોજ ગંગલે જણાવ્યું હતું કે, ‘સ્પાઇસ જેટની અમદાવાદથી બેંગકોક જતી ફ્લાઇટનું રાત્રે ૭:૨૮ વાગે ટેક્ ઓફ્ થતી વખતે ટાયર ફાટયું હતું. આ ઘટના બાદ તકેદારીના ભાગરૃપે રન-વે બંધ કરવામાં આવ્યો છે. ફ્લાઇટમાં સવાર તમામ ૧૮૮ મુસાફરોને સલામત રીતે ઉતારવામાં આવ્યા છે. જે ફ્લાઇટને નુકસાન પહોંચ્યું છે તેને મોડી રાત્રે રન-વે પર ટોઇંગ કરીને લઇ જવામાં આવ્યું હતું. આ ઘટના બાદ સંખ્યાબદ્ધ ફ્લાઇટનું આવાગમન બંધ કરવામાં આવ્યું છે. કેટલી ફ્લાઇટને ડાઇવર્ટ પણ કરવામાં આવી છે.