હેલો ભાઈ લોગ, બોલે તો કૈસે હો આપ લોગ, મૈ આદિત શાહ, બોલે તો આપકા ઓસ્કાર વાલા ગાઈડ, આપકે લિયે એક બાર ફિર વો હી એવોર્ડ લાયા હૂ…. જસ્ટ કિડિંગ ફ્રેન્ડસ. તમારા બધાનો જે “સુપર્બ બોલે તો ઝક્કાસ” વાળો જે રિસ્પોન્સ મળ્યો છે ને એ પછી હકીકતમાં મને બહુ મજા આવી ગઈ છે આપ સૌની સાથે જોડાવાની અને હા, ખરી વાત કરું ને તો શનિવારે કોલમના પ્રકાશિત થયા પછી બાકીના છ દિવસ હું ફરી ક્યારે શનિવાર આવે ને એની જ રાહ જોતો હોઉં છું, કે ક્યારે મારો શનિવાર આવે ને ક્યારે હું તમને બધાને મારી વાતો શેર કરું. બોલે તો “તોમાકે ઓશેશ ધોન્યોબાદ બાબુમોશાય…”(બંગાળી ભાષા)..આપનો ખૂબ ખૂબ આભાર…
દોસ્તો, ગયા સપ્તાહે આપણે વાત કરી હતી માલિકીપણાંની એટલે કે OWNERMENRSHIPની, હવે આ અઠવાડિયે આપણે આપણા ઓસ્કારની પ્રાપ્તિની તરફ બીજું કદમ માંડવાનો સમય આવી ગયો છે. આ સપ્તાહે આપણે સમજીશું “S ફોર SELF INVOLVEMENT” બોલે તો “સ્વ સમાવેશ”. ગભરાઈ ના જશો યાર, શુદ્ધ ગુજરાતી ભાષા જ છે. સમજવામાં બહુ જ સરળ પેરામીટર છે આ સ્વ સમાવેશ.
જો એક સિમ્પલ દાખલો આપું. તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે કોઈ કામ કરવામાં બહુ મહેનત કરી, એને પૂરું પણ કર્યું અને છતાં પણ તમને એમાં સફળતા ન મળી કે સફળતા મળી પરંતુ એની ક્રેડિટ તમને ના મળી. જો તમે આ અનુભવ્યું છે તો બોસ માઈન્ડ ઈટ, “યુ આર જસ્ટ ફ્યુ સ્ટેપ અવે ફ્રોમ યોર ઓસ્કાર”. ગત ૨૮મી મે એ ધોરણ ૧૦નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવ્યું. સવારથી મારા ક્લાસીસના વિદ્યાર્થીઓના વોટ્સએપ પર ઓનલાઈન રિઝલ્ટના સ્ક્રીનશોટ્સ અને ફોન પર સમાચાર આવી રહ્યા હતા. લગભગ બધા જ વિદ્યાર્થીઓના ફોન આવી ગયા હતા સિવાય આશિકા નામની વિદ્યાર્થિનીના… હજી તો હું એના વાલીને સંપર્ક કરવાનું વિચારતો જ હતો ત્યાં જ એના મમ્મી એને અને સાથે પેંડાના બોક્સને લઈને મારી રામઝૂંપડીએ પધાર્યા પણ આજની આશિકા કઈંક અલગ હતી, એની આંખોમાં આંસુ હતા. કારણ એવું જાણવા મળ્યું કે એ મેડમએ ૮૮ ટકાની મહેનત કરી હતી અને બેનને આવ્યા હતાં ૮૧ ટકા. હવે પરિસ્થિતિ એવી હતી કે જો હું તેને એમ સમજાવું કે એની મહેનત સારી છે તો એને એમ લાગે કે હું તેને માખણ લગાડું છું અને જો તેને મીઠો ઠપકો આપું તો એ મને પોતાને ગેરવ્યાજબી જણાતું હતું. અંતે મે એક ત્રીજો રસ્તો કાઢ્યો. મે એને એક જ સવાલ પૂછ્યો અને એના એક જ જવાબે એની બધી જ દ્વિધા દૂર કરી દીધી. સવાલ એ હતો કે, “બેટા, શુ તુ સંપૂર્ણપણે એ સ્વીકારે છે કે તે જે તૈયારી કરી એમાં તારું સંપૂર્ણ ઈનવોલ્વમેન્ટ હતું ?, (બે મિનિટનો સન્નાટો) અને પછી જવાબ આવ્યો, “કદાચ, સંપૂર્ણ તો નહિ જ !!!”. બસ, આ જ એની શંકાનું સમાધાન હતું. તમે તમારા લક્ષ્યાંક પ્રત્યે જાગ્રત છો, મહેનત કરો છો પણ છતાં કઈંક કમી રહી જાય છે અને એ છે સ્વ સમાવેશ. આશિકાની તૈયારી તો ૮૮ ટકાની જ હતી, પરંતુ એ મહેનતના સમયે બીજી ઘણી બાબતોમાં પ્રવૃત્ત રહેતી જેમ કે વડીલોની વાતોમાં ટાપસી પૂરવી, વાંચતા વાંચતા રસોડામાં આંટા મારવા વિગેરે, જે એને એના ધાર્યા પરિણામથી દૂર રાખવા કારણબૂત પરિબળ હતું…
ચાલો, આ તો હતું એક નાનકડું દ્રષ્ટાંત, પરંતુ આપણી રિયલ લાઈફમાં, ખાસ કરીને પ્રોફેશનલ કે બિઝનેસ લાઈફમાં એ કઈ રીતે અસર કરે છે એ જાણીએ. ધારો કે તમને તમારી કંપનીમાંથી કોઈ એક પ્રોજેક્ટ મળ્યો છે. એ જ ટોપિક પર બીજા કલિગ્સને પણ ટાસ્ક મળ્યો છે. હવે જો તમે તમારા ટાસ્ક પર પ્રગતિમાં છો અને અચાનક તમારા મનમાં વિચાર આવે છે કે મારા બીજા કલિગ્સનો પ્રોજેક્ટ કેટલે પહોંચ્યો તો એ સ્વીકારવું જ રહ્યું કે એમાં તમારું સંપૂર્ણ ઈનવોલ્વમેન્ટ નથી. જો તમે સંપૂર્ણ રીતે ઈનવોલ્વ છો તો તમને પણ પેલા મહાભારતવાળા અર્જુનની જેમ પોતાના સક્ષ્ય સિવાય કઈં જ ન દેખાવું જોઈએ. ડાઈવર્ટ થવાનું પરિણામ શું? એ જ, કે જે પ્રશંસાના તમે હકદાર હતા એ પ્રશંસા કોઈ બીજાના પક્ષે ચાલી જશે. અહીં વાત માત્ર પ્રશંસાની નથી, વાત તમારી કામ કરવાની રીત અને લગનીની પણ છે. તમારી ફર્મ તમારા પર્ફોર્મન્સ સિવાય બીજી ઘણી બાબતોને અનુલક્ષીને તમારો ગ્રોથ નક્કી કરે છે, જે આગળ જતાં તમારા મંથલી સેલરી પેકેજ અને ડેઝિગ્નેશન પર પણ અસર કરે છે.
હવે, થોડી કડવી દવાનો વારો….વ્યક્તિની પર્સનલ લાઈફમાં પણ આ જ વસ્તુ એટલી જ અસરકારક રીતે કામ કરે છે. જો તમે મહિને ૩૫ થી ૪૦ હજાર કમાઓ છો, મોજશોખ અને સપના પૂરા કરો છો પણ જો તમે એ નથી જાણતા કે તમારો દીકરો કે દીકરી કયા ધોરણમાં ભણે છે તો દુનિયામાં તમારાથી ગરીબ કોઈ જ વ્યક્તિ નથી. એક સ્ત્રી તરીકે જો તમે જોબ કે બિઝનેસ રન કરો છો, પોતાને પુરુષ સમોવડી અને એમ્પાલર્ડ ગણાવો છો પણ છતાં જો તમને એ નથી ખબર કે તમારા પતિ કે તમારા કમાતા દીકરાએ પોતાની અને પરિવારની સુરક્ષા માટે કેટલી પોલિસી અને કેટલા મેડિક્લેઈમ કરાવેલા છે, ધેન યુ આર ઝીરો ઈન એમ્પાવરમેન્ટ. બિઈંગ અ સન ઓર ડોટર, જો તમે ચોવીસ કલાકમાં ચોવીસ મિનિટ પણ તમારા પરિવાર કે મા બાપ માટે સમય કાઢી નથી શકતા, તો સ્વીકારી લો કે એમ.બી.એ. ની ડિગ્રી અને મહિને સવા લાખનું પેકેજ હોવા છતા, તમારાથી અભણ વ્યક્તિ કોઈ નથી.
સાવ ચોખાના દાણા જેવડી જણાતી આ વાત આમ તો કઈં ખાસ અસરકારક નથી જણાતી પણ આ જ S ફોર SELF INVOLVEMENTનો અભાવ તમને કાં તો તમારા પ્રોફેશનલ સ્ટેટસમાંથી નીચા ઉતારી દે છે કાં તો તમને દુનિયાના સૌથી ગરીબ, મૂર્ખ કે અભણ વ્યક્તિઓમાં ખપાવી દેશે. દુષ્પરિણામ એ આવશે કે તમારી સૌથી નજીકની વ્યક્તિ તમને છોડીને અન્ય વ્યક્તિ તરફ દોરાઈ જશે યા તો આકર્ષાઈ જશે કારણ કે એના પાસે તમારી તમામ ભૌતિક સુખ સગવડ, એશોઆરામ હશે પણ તમે નહિ હોવ…તમારો સ્વ સમાવેશ નહિ હોય. અંગ્રેજીમાં મારો લખેલો એક સુવિચાર છે કે, “Some Persons come to your life to either teach you how to LIVE or how to LEAVE”, તો મહેરબાની કરીને HOW TO LEAVE વાળી વ્યક્તિ ન બનો, બનવું જ છે તો HOW TO LIVE વાળી વ્યક્તિ બનો.
સાહેબશ્રીના કડવાં પ્રવચનો અહીં આ સપ્તાહ પૂરતાં પૂરા થાય છે, અત્યારે બસ આટલું જ… વધુ આવતા અંકે…. આપનો અમૂલ્ય પ્રતિભાવ ચોક્કસ જણાવશો.