અધિકમાસ અને તેમાં પણ ગુરુવાર….પ્રભુની ભક્તિમાં લીન થઈ જવાનો દિવસ….પણ જીવ નોકરી અને છોકરામાં હોય ત્યાં પ્રભુને કેવી રીતે ભજુ…સવારે ઉઠીને સૂર્યનારાયણને પાણી ચડાવ્યા પહેલા ટાંકીમાં પાણી ચડાવાની ચિંતા, ભગવાનને નવડાવીને મંદિર સાફ કર્યા પહેલા બાળકોને નવડાવીને કચરાપોતા કરવાની ચિંતા, પ્રસાદ બનાવીને ભોગ ધરાવ્યા પહેલા પતિદેવનાં ટીફીન બનાવવાની ચિંતા હોય ત્યાં પ્રભુ પ્રસન્ન કેવી રીતે થાય…?
આવા સવાલો ઘણાં લોકોને થતાં હોય છે. સંતો- સંન્યાસીઓને તો ઘર ચલાવવાની જવાબદારી હોતી નથી તેથી તેઓ નિરાંતે પ્રભુ ભક્તિ કરી શકે છે. આપણે તો સામાજીક પ્રાણી છીએ. આપણી પર આસપાસમાં રહેતા તમામ લોકોને સાથે લઈને ચાલવાની જવાબદારી છે. આપણે કમાઈને ઘર પણ ચલાવવાનું છે અને આપણે સંસાર પણ ચલાવવાનો છે. આ બધાની વચ્ચે સમય ફાળવીને પ્રભુ ભક્તિ કરવાની છે. હવે રોજની જવાબદારી નીભાવવી એ પણ એક અગત્યનું કાર્ય છે, કેમકે કોઈ પણ ઈશ્વર એવું નથી કહેતો કે તમે તમારી સાંસારિક જવાબદારીઓ અધૂરી રાખીને મારી ભક્તિ કરો. જો તમે સાચા મનથી નીતિનાં માર્ગે ચાલશો તો પણ ભગવાન પ્રસન્ન જ રહેશે.
ઘરસે મસ્ઝિદ હૈ બહોત દૂર, ચલો યું કરે કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાય….
તમે જે સંતાનને જન્મ આપ્યો છે, તમે જેની સાથે લગ્ન કર્યા છે., જે માબાપે તમને જન્મ આપ્યો છે તે દરેકને ખુશ રાખવા તે આપણી જવાબદારી છે. તે જવાબદારીમાંથી પીછેહઠ કરીને જો તમે પ્રભુનાં ભજન કરો તો પ્રભુ ક્યારેય પ્રસન્ન નહીં થાય. તેવી જ રીતે જે ઘરમાં નાના બાળક હોય અને તેની માવજત કરવાને બદલે જો ભક્તિનાં પાઠ કરવા બેસી જઈએ તો પણ પ્રભુનું અપમાન ગણાય. જો તમે આખા દિવસમાં એક પણ એવુ કામ ન કરો જેનાથી કોઈને નુકસાન થાય તો તે કોઈ પણ ભક્તિ કે પૂજાથી ઓછુ નથી.
આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે ૧૦૮ દીવાની આરતી કરી, ૨૧ નાળીયેર ચડાવ્યા…પગપાળા યાત્રા કરી …અને આમ કરવાથી આપણને પૂણ્ય મળે છે. આ શ્રધ્ધા છે. તેમાં કંઈ ખોટુ નથી, પરંતુ પૂણ્ય પ્રાપ્તિનાં અન્ય રસ્તા પણ છે. જેમકે કોઈની મદદ કરવી. કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી, કોઈ ભૂખ્યાને જમાડવા, કોઈ ગરીબને જૂના કપડાં આપવા…આવા સારા કામ કરો તો પણ ભગવાન પ્રસન્ન રહે છે. તમારે દરરોજ કલાકો ભગવાનની મૂર્તિ સામે બેસીને કે પૂજા વિધિ કરીને જ ભગવાનને પ્રસન્ન કરવા જરૂરી નથી.
ચાલો, આ પરષોત્તમ મહીનામાં ઈશ્વરની ભક્તિ કંઈક અલગ રીતે કરીએ. કોઈને મદદ કરીને પૂણ્ય કમાઈએ. આપણા સમાજમાં આપણા કુટુંબમાં કોઈની સાથે વેર ન રાખીને, કોઈને હેરાન ન કરીને પ્રભુને પ્રસન્ન કરીએ. શક્ય તેટલા સારા કામ કરીને અધિકમાસની ઉજવણી કરીએ.