દુનિયાના સર્વશ્રેષ્ઠ ગ્રંથોમાંનો એક ગ્રંથ એટલે મહાભારત. મહાભારતનું ધર્મયુદ્ધ હવે તેલુગુ ભાષામાં પણ વાંચી શકાશે. હિંદી અને સંસ્કૃત ના સમજતા તેલુગુ ભાષા બોલતા લોકો પણ હવે મહાભારત વાંચી અને તેના પાઠ શીખી શકશે. ગીતાપ્રેસમાં તેલુગુમાં પુસ્તક છપાવા લાગ્યા છે. એક લોક માન્યતાને ગીતાપ્રેસે તોડવાનો પ્રયત્ન કર્યો છે કે, મહાભારત ગ્રંથને ઘરમાં ના રાખવો જોઇએ. તેને ઘરમાં રાખવાથી ઝઘડા અને કંકાસ થાય છે. 1955માં ગીતાપ્રેસે હિંદી ભાષામાં મહાભારત પુસ્તકને 6 ખંડમાં પ્રકાશિત કર્યું હતું.
મહાભારતનું તેલુગુ અનુવાદ થોડા સમય પહેલાથી જ સંપૂર્ણ થઇ ગયું હતું. હવે તેને પ્રકાશિત કરવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. તેલુગુ ભાષામાં છપાનાર મહાભારત 7 ખંડમાં છપાશે. કુલ 14 હજાર પુસ્તકો છપાશે. એક પુસ્તકની કિંમત આશરે 400 રૂપિયા રાખવામાં આવશે.
તેલુગુ મહાભારતમાં સંસ્કૃત શ્ર્લોકનું તેલુગુમાં ભાષાંતર કરવામાં આવ્યુ છે. મહાભારતના શ્ર્લોક સંસ્કૃતમાં જ હશે, પરંતુ તેમની લિપી તેલુગુ હોવાથી શ્ર્લોકનો અર્થ તેલુગુ ભાષામાં હશે.
ગીતાપ્રેસ કુલ 15 ભાષાઓમાં ધાર્મિક ગ્રંથોનું પ્રકાશન કરે છે. મહાભારત એક મોટો ગ્રંથ છે માટે અત્યારે ફક્ત તેલુગુ ભાષામાં જ તેનું ભાષાંતર કરવામાં આવ્યુ છે. ઓગસ્ટ સુધી તેલુગુ ભાષામાં મહાભારત છપાઇ જશે. જે લોકો ફક્ત તેલુગુ ભાષા જ સમજે છે, તે લોકો મહાભારત વાંચી શકશે.