BSNLમાં ઉંચા પદ પર કામ કરનાર વ્યક્તિની પત્નીએ પતિનો પગાર જાણવા માટે 11 વર્ષ સુધી કાનૂની લડાઇ લડવી પડી છે. 11 વર્ષ બાદ મધ્યપ્રદેશની હાઇકોર્ટે ચૂકાદો આપ્યો છે કે, પત્નીને પતિનું વેતન જાણવાનો કાનૂની હક છે. તે કાયદેસર રીતે પતિનું વેતન જાણી શકે છે.
BSNLના સિનયર અઘિકારી પવન કુમાર જૈન તેમની પત્નીને મહિને 7 હજાર રૂપિયા જ આપતાં હતા. સાથે જ તે એવું પણ કહેતા હતાં કે તેમનો પગાર 7 હજાર રૂપિયા જ છે. તેમની પત્ની વિચારતી કે કોઇ પણ સિનિયર અધિકારીનો પગાર 7 હજાર રૂપિયા ના હોઇ શકે. તેથી તેણે પતિની ઓફિસમાં પગાર સ્લીપ માંગી હતી, પરંતુ કંપનીએ સેલેરી સ્લીપ આપવાની મનાઇ કરી. બાદમાં પવન કુમારની પત્નીએ કેન્દ્રીય સુચના આયોગમાં અપીલ કરી. જેના આધાર પર 27 મે 2007માં કંપનીને આદેશ મળ્યો કે તે પવન કુમારની સેલેરી સ્લીપ આપે.
આટલું થતા પવન કુમાર અને BSNLએ હાઇકોર્ટમાં ફરિયાદ કરી. સામે પવનકુમારની પત્નીએ પણ કેસ કર્યો. 3 વર્ષ સુધી આ કેસમાં દલીલ રજૂ કરવામાં આવી. છેલ્લે 11 વર્ષે ચૂકાદો આવ્યો કે, એમ્પ્લોયની સેલેરી સ્લીપ કોઇ ત્રીજા વ્યક્તિને ના આપી શકાય, પરંતુ જો પતિની સેલેરી સ્લીપ પત્ની માંગે તો તેને તે જાણવાનો પૂરો હક છે કે તેના પતિની માસિક સેલેરી શું છે.
11 વર્ષની લડત બાદ એક પત્ની તેના જ પતિની સામે કેસ જીતી અને દેશને એક નવો કાયદો જાણવા મળ્યો કે, પતિની માસિક આવક જાણવાનો પત્નીને કાયદેસર હક છે.