મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પહેલી આઇપીએલ ફાઈનલમાં જીતવા માટેના ૧૭૯ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ચેન્નાઈ સુપર કિંગ્સે ખુબ જ ધીમી શરૂઆત કરી હતી. પ્રથમ પાંચ ઓવરના અંતે તેઓએ એક વિકેટે માત્ર ૨૦ રન કરતાં હૈદરાબાદ ઉત્સાહમાં જોવા મળ્યું હતુ. જોકે વોટસને ત્યાર બાદ તોફાની બેટીંગ કરતા બાજી પલ્ટી નાંખી હતી. છેક ૧૦માં બોલ પર ખાતુ ખોલાવનારા વોટસને અણનમ શતકીય ઈનિંગ રમી હતી. તેણે રૈના સાથે ૧૧૭ રનની અને રાયડુ સાથે અણનમ ૪૮ રનની ભાગીદારી નોંધાવી હતી. હૈદરાબાદના બોલરો પ્રભાવહિન રહ્યા હતા.અગાઉ ટોસ જીતીને ચેન્નાઈએ હૈદરાબાદને બેટીંગમાં ઉતાર્યું હતુ. વાનખેડેની મુશ્કેલ પીચ પર હૈદરાબાદની શરૃઆત સારી રહી નહતી. તેમણે ખુબ જ સંભાળ સાથે સ્કોર આગળ ધપાવ્યો હતો. પ્રથમ ૧૦ ઓવરના અંતે હૈદરાબાદે બે વિકેટે ૭૩ રન કર્યા હતા. કેપ્ટન વિલિયમસને એક છેડો સાચવી રાખતાં ૩૬ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૪૭ રન ફટકાર્યા હતા.
વિલિયમસન અને ઓપનર ધવને બીજી વિકેટની ભાગીદારીમાં ૫૧ રનની ભાગીદારી કરી હતી. જોકે હૈદરાબાદના બેટ્સમેનોએ ઈનિંગની આખરી ૧૦ ઓવરમાં વધુ સારો દેખાવ કરતાં ૧૦૫ રન ફટકાર્યા હતા. જેમાં આખરી બે ઓવરના ૧૮ રન બાદ કરતાં તેમણે આઠ ઓવરમાં ૮૭ રન ફટકાર્યા હતા. બરોડાના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે હૈદરાબાદ તરફથી આક્રમક બેટીંગ કરતાં માત્ર ૨૫ બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૪૫ રન નોંધાવ્યા હતા.
જ્યારે કાર્લોસ બ્રાથવેઈટે ત્રણ છગ્ગાની મદદથી ૧૧ બોલમાં ૨૧ રન નોંધાવ્યા હતા. ચેન્નાઈ તરફથી એનગિડીએ અસરકારક બોલિંગ કરતાં ૪-૧-૨૬-૧ની ફિગર્સ મેળવી હતી. જાડેજા, બ્રાવો અને શાર્દૂલ ઠાકુરે પણ એક-એક વિકેટ મેળવી હતી. જોકે તેઓ ખર્ચાળ સાબિત થયા હતા.