હાલમાં દેશભરમાં ગરમીનો પ્રકોપ દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે અને હીટવેવ દ્વારા પણ લોકો પરેશાન થઇ રહ્યા છે. ઉત્તર તથા પશ્ચિમના રાજ્યોમાં તાપમાન ૪૫થી ૪૬ ડીગ્રી સુધી પહોંચી ગયું છે ત્યારે વીજ માટેની માગ પણ વિક્રમી સપાટીએ પહોંચી છે. વર્તમાન સપ્તાહમાં બુધવારે દેશની એકંદર વીજ માગ ૧૭૦૧૨૧ મે.વો. રહી હતી જે ૨૦૧૭ના મે માસના આ દિવસની સરખામણીએ ૮ ટકા વધુ છે. ઉત્તર તથા પશ્ચિમી રાજ્યોમાં વીજની સૌથી વધુ માગ છે.
ઉત્તર પ્રદેશમાં ૧૯૦૮૨ મેવો, દિલ્હીમાં ૬૦૨૯ મેવો, રાજસ્થાન ૧૦૩૯૫ મેવો, ગુજરાત ૧૬૮૨૫ મેવો તથા મહારાષ્ટ્રમાં ૨૩૬૦૯ મેવો સુધી વીજ માગ પહોંચી હોવાનું સેન્ટ્રલ ઈલેકટ્રિસિટીના સુત્રોએ જણાવ્યું હતું. દિલ્હીમાં ૬૦૦૦ મેવો વિક્રમી સપાટી છે. વીજની માગ વધી રહી છે ત્યારે વીજ ખરીદ કરારાનો અભાવને કારણે સમસ્યા ઊભી થઈ શકે એમ છે.
વીજની માગ વધવા સાથે સ્પોટ પાવરના ભાવ પણ પ્રતિ યુનિટ વધીને રૂપિયા ૧૧ પહોંચી ગયા છે. બીજી બાજુ પાવર પ્લાન્ટસ ખાતે કોલસાનો સ્ટોકસ ઘટી રહ્યો છે અને હાલમાં ૧૨ દિવસ ચાલે એટલો જ કોલસો હોવાનું જણાવાયું હતું.