રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૧૮ વર્ષમાં પહેલી વખત કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધના સૈન્ય ઓપરેશનને વિરામ આપ્યો છે. આ વિરામ રમઝાન મહિના સુધી રહેશે જેને પગલે ભારે વિવાદ સર્જાયો છે. સૈન્યના જવાને પણ એક વીડિયો જારી કર્યો છે અને તેમાં તેણે દાવો કર્યો છે કે વડા પ્રધાન અને ગૃહપ્રધાને રમઝાનમાં સૈન્ય ઓપરેશન અટકાવીને બહુ મોટી ભુલ કરી છે. કેમ કે જે આતંકીઓ છુપાઇ ગયા હતા તેઓ હવે ફરી સક્રિય થઇ જશે અને તેના આગામી દિવસોમાં ઘણા જ માઠા પરીણામો આવશે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે ત્યારે જ કાશ્મીરમાં સીઝ ફાયરની વિપરીત અસરો બહાર આવવાની ચાલુ થઇ ગઇ છે.
સીઝ ફાયર છતા કાશ્મીરમાં પથ્થરમારો થયો હતો, એક સ્થળે જવાનો ઇફ્તારી માટે સ્થાનિકોને આમંત્રીત કરી રહ્યા ત્યારે જ તેમના પર પથ્થરમારો કરવામા આવ્યો હતો. જેમાં કેટલાક જવાનો ઘાયલ થયા હતા. સોશિયલ મીડિયા પર લોકો રોષ ઠાલવી રહ્યા છે કે એક તરફ જવાનો પર હુમલા થઇ રહ્યા છે, આતંકીઓ સક્રિય થઇ રહ્યા છે બીજી તરફ સરકારે જવાનોના હાથ બાંધી રાખ્યા છે.
સૈન્ય દ્વારા જ એક ઇફ્તાર પાર્ટીનું આયોજન સોપિયામાં કરવામાં આવ્યું હતું. જોકે સ્થાનિકોએ તેમાં ભાગ લેવાને બદલે સૈન્ય પર જ પથ્થરમારો કરી દીધો હતો. બચાવ કાર્યવાહીમાં સૈન્ય દ્વારા પણ ગોળીબાર થયો હતો જેમાં પાંચ સ્થાનિકો ઘવાયા હતા. ૩૪ રાષ્ટ્રીય રાઇફલ્સ દ્વારા શ્રીનગરમાં એક મસ્જિદની બહાર સ્થાનિક મુસ્લિમો માટે ઇફ્તારનું આયોજન કર્યું હતું. જોકે કેટલાક સ્થાનિકોએ આ ઇફ્તારનો વિરોધ કર્યો હતો, અને ઉલટા સૈન્ય પર જ પથ્થરમારો કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં પાંચ સ્થાનિકો ઘવાયા હતા. સૈન્યના સીઝ ફાયર વચ્ચે કાશ્મીરમાં આતંકીઓ હુમલા કરી રહ્યા છે જ્યારે બીજી તરફ સરહદે પાકિસ્તાન સૈન્ય ગોળીબાર કરીને આતંકીઓને ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.