સોનાના ભાવમાં રોજેરોજ થઈ રહેલા વધારાએ સામાન્ય પરિવારોની ચિંતામાં વધારો કર્યો છે. આજના સમયમાં સોનું ખરીદવું એ સામાન્ય લોકો માટે માત્ર એક સપના સમાન બની ગયું હોય તેવું જણાય છે. લગ્નપ્રસંગો કે રોકાણ માટે પણ સોનાના ભાવ આસમાને પહોંચતા લોકો હવે ખરીદી કરતા ખચકાઈ રહ્યા છે. જોકે, એક તરફ સામાન્ય જનતા માટે સોનું મોંઘુદાટ બની રહ્યું છે, ત્યારે બીજી તરફ ભારત સરકાર અને રિઝર્વ બેંક પાસે સોનાનો એટલો વિશાળ ભંડાર છે કે જેની કિંમત જાણીને તમે ખરેખર ચોંકી જશો.
વૈશ્વિક તણાવ, પ્રતિબંધો અને આર્થિક અસ્થિરતાના આ યુગમાં દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો સોના પર ભરોસો કરી રહી છે. ભારત પણ આ યાદીમાં મોખરે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાળવવામાં આવતો સોનાનો ભંડાર દેશની અર્થવ્યવસ્થા માટે એક જરૂરી કવચ બની ચૂક્યો છે. જોકે, વર્ષ 2025-26 દરમિયાન RBIએ સોનાની નવી ખરીદીમાં મોટો ઘટાડો કર્યો હતો. ચાલો જાણીએ ભારત પાસે હાલ કેટલું સોનું છે અને તેની કિંમત કેટલી છે?
આંકડાઓ અનુસાર, ભારતનો સત્તાવાર સોનાનો ભંડાર આશરે 880.18 મેટ્રિક ટન છે. આ સોનાની બજાર કિંમત અંદાજે 113.32 બિલિયન ડોલર (આશરે 9.5 લાખ કરોડ રૂપિયાથી વધુ) હોવાનું અનુમાન છે. આ આંકડો ભારતની તિજોરીની સૌથી કિંમતી સંપત્તિઓમાંથી એક કહી શકાય.
ભારતના કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. હવે તેનો હિસ્સો કુલ ફોરેક્સ રિઝર્વના 16.02 થઈ ગયો છે, જેનું મૂલ્ય આશરે 687 બિલિયન ડોલર છે. છેલ્લા લગભગ બે દાયકાઓમાં સોનાનો આ સૌથી મોટો હિસ્સો છે. આ પગલું અમેરિકી ડોલર પરની અતિશય નિર્ભરતા ઘટાડવા અને પોતાના ભંડારને વૈશ્વિક આર્થિક ઝટકાઓ, પ્રતિબંધો અને ચલણની અસ્થિરતાથી બચાવવાના ભારતના ઈરાદાનો સ્પષ્ટ સંકેત આપે છે.
વીતેલા કેટલાક વર્ષોમાં ભારતે પોતાના સોનાને સ્વદેશ પરત લાવવા પર ઘણું વધારે ધ્યાન આપ્યું છે. વર્તમાનમાં લગભગ 510થી 575 ટન સોનું ભારતની અંદર સુરક્ષિત રીતે રાખવામાં આવ્યું છે. મુખ્યત્વે મુંબઈ અને નાગપુરમાં આવેલી RBIની તિજોરીઓમાં આ સોનું રાખેલું છે. બાકીનું લગભગ 290 ટન સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ જેવી ભરોસાપાત્ર સંસ્થાઓ પાસે વિદેશમાં રાખવામાં આવ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષમાં જ ભારતે આશરે 274 ટન સોનું પરત મંગાવ્યું છે. આ પગલું ભૂ-રાજકીય જોખમો, વૈશ્વિક પ્રતિબંધો અને વ્યૂહાત્મક રાષ્ટ્રીય સંપત્તિઓ પર સીધા નિયંત્રણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઉઠાવવામાં આવ્યું છે. વર્ષ 2025માં RBIએ સોનાની ખરીદીમાં મોટો ઘટાડો કર્યો હતો, જ્યાં RBIએ 2024માં 72.6 ટન સોનું ખરીદ્યું હતું, ત્યાં 2025માં તેણે માત્ર 4.02 ટન સોનાની જ ખરીદી કરી. આ ખરીદી છેલ્લા 8 વર્ષમાં સૌથી ઓછી ખરીદી કહી શકાય.
