અમદાવાદ :સ્વામી વિવેકાનંદ જયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે 12 જાન્યુઆરીના રોજ સ્વદેશી જાગરણ મંચ દ્વારા સમગ્ર દેશમાં ‘સ્વદેશી સંકલ્પ દૌડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો હેતુ યુવાનોમાં સ્વદેશી વિચારધારાની જાગૃતિ લાવવાનો અને આત્મનિર્ભરતાના સંકલ્પને મજબૂત કરવાનો રહ્યો હતો.
ગુજરાતમાં આ દૌડને ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. યુવાનોમાં દેશપ્રેમ અને સ્વદેશી ભાવનાનો ઉલ્લાસ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.
કર્ણાવતી પૂર્વ વિભાગ દ્વારા શેઠ આર. ટી. સ્કૂલથી જડેશ્વર વન સુધી સ્વદેશી સંકલ્પ દૌડ યોજાઈ હતી. આ દૌડમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. દૌડ પૂર્ણ થયા બાદ જડેશ્વર વન ખાતે ઉપસ્થિત સૌએ સામૂહિક રીતે સ્વદેશી પ્રતિજ્ઞા લીધી હતી અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ તથા આત્મનિર્ભર ભારતના સંકલ્પને સમર્થન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંતના સહ-સંયોજક શ્રી નિર્મલભાઈ, સ્કૂલના ટ્રસ્ટી, આચાર્ય તેમજ સ્વદેશી જાગરણ મંચ કર્ણાવતી પૂર્વ વિભાગના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ યુવાનોને સ્વદેશી વિચાર સાથે જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા.
