ભારતીય સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જામનગરના શરુ સેકશન રોડ પરથી કાર લઈને પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન તેમની કાર સંજય આહિર નામના પોલીસ કર્મચારીની બાઈક સાથે ટકરાઈ જતા સામાન્ય અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લઈને પોલીસ કર્મચારી ગીન્નાયો હતો અને પોતાના બાઈક પરથી ઉતરીને રીવાબાને કારમાંથી બહાર ખેંચી તેમના વાળ ખેંચી હિચકારો હુમલો કરી દીધો હતો.
આ હુમલાના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને આખરે મામલો જીલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યો હતો. જ્યાં તબીબને પણ હાજર રખાયા હતા. રાજ્યના પોલીસ વડા દ્વારા આ બનાવ અંગે ગંભીર નોંધ લેવાઈ છે.
જિલ્લા પોલીસ વડા પ્રદિપ સેજુળે આ સમગ્ર મામલાને ધ્યાનમાં લઈ આરોપી પોલીસ કર્મચારી સંજય આહિરને તાત્કાલિક અસરથી પકડી પાડવાનો આદેશ કર્યો હતો અને સીટી બી ડીવી. પોલીસ મથકમાં તેની સામે મહિલા પર હુમલો અને અત્યાચાર અંગેનો ગુન્હો નોંધવા આદેશ કરી દીધો હતો. જેને અનુસંધાને આરોપી પોલીસ કર્મચારી સામે ગુન્હો નોંધવા કાર્યવાહીહાથ ધરાઈ હતી. ડીજીપીના આદેશના પગલે હુમલાખોર પોલીસ કર્મચારી સામે સસ્પેન્શન બદલી સહિતના કડક પગલા ભરવાની પણ કાર્યવાહી આરંભી દેવાઈ છે.