વાહન ચાલકો-માલિકો માટે વાહનની આર.સી.બુક એ અત્યંત અગત્યનો દસ્તાવેજ છે. આ દસ્તાવેજ ઇન્ડીયન પોસ્ટ દ્વારા આઉટસોર્સ મારફત વાહન માલિકોને તેમના સરનામા પર મોકલવામાં આવે છે પરંતુ અધૂરા સરનામા, પીનકોડ, ઘર બંધ હોય જેવા વિવિધ કારણોસર RC બુક પરત આવે છે.
રાજ્યભરમાં એક લાખથી વધુ આર.સી.બુક પરત આવી છે જે વાહનચાલકોને સત્વરે મળી રહે તે માટે ૨૬મી મે, ૨૦૧૮ના રોજ ખાસ નિકાલ ઝુંબેશ હાથ ધરાશે. સૌથી વધુ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરમાં આવી આર.સી.બુક વધુ પરત આવી છે. વાહન માલિકોને પોતાની પરત આવેલ આર.સી.બુક રૂબરૂ હાથોહાથ મળી શકે તે માટે વાહનવ્યવહાર વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા-ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેનો બહુધા પ્રમાણમાં લાભ લેવા વાહનવ્યવહાર કમિશનર કચેરી દ્વારા જણાવાયું છે.
વાહન માલિકોએ પરત આવેલ બુક લેવા જતા પહેલાં વિભાગની વેબસાઇટ www.rtogujarat.gov.in ઉપર જઇને પોતાની આર.સી.બુક અને આર.ટી.ઓ.ની વિગત મેળવી લઇને જરૂરી આધાર પુરાવા સાથે જે તે આર.ટી.ઓ. કચેરીમાં જઇને રૂબરૂ મેળવી લેવાની રહેશે.