તાજેતરમાં બે દિવસ પહેલા જ પાક.ના ગોળીબારમાં ભારતનો એક જવાન શહીદ થઇ ગયો હતો. આ સ્થિતિ વચ્ચે હવે બીએસએફ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)એ પણ આક્રામક જવાબ આપ્યો છે. બીએસએફના જવાનોના ગોળીબારમાં પાકિસ્તાનનો એક જવાન ઠાર મરાયો હતો સાથે અનેક પોસ્ટનો પણ કચ્ચરઘાણ વાળી દીધો હતો.
ખુદ પાકિસ્તાન સૈન્યએ જ આ જાણકારી બીએસએફને ફોન પર આપી હતી. પાકિસ્તાન સૈન્યની હાલત એવી થઇ ગઇ હતી કે તેણે બીએસએફને ગોળીબાર અટકાવવા ફોન પર વિનંતી કરવી પડી હતી. બીએસએફના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી બીએસએફ આક્રામક રીતે ગોળીબાર કરીને પાકિસ્તાનને સરહદે જવાબ આપી રહ્યું છે.
બીએસએફએ પણ એક ૧૯ સેકન્ડનો વીડિયો જારી કર્યો છે જેમા પાકિસ્તાનનું એક બંકર બીએસએફએ ઉડાવ્યું હતું તેનુ શૂટિંગ કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાશ્મીર મુલાકાતના એક દિવસ અગાઉ જ પાકિસ્તાન સૈન્યએ ભારે ગોળીબાર કર્યો હતો. જેમાં ચાર નાગરીકો માર્યા ગયા હતા જ્યારે એક જવાન સીતા રામ ઉપાધ્યાય શહીદ થયો હતો. અનેક સ્થાનિક નાગરીકો ઘવાયા હતા જ્યારે મોટા પાયે ગ્રામ્ય વિસ્તારમાં સંપત્તિને પણ નુકસાન થયું હતું. ૧૫મીમે થયેલા ગોળીબારમાં એક જવાન દેવેન્દ્રસિંહ બઘેલ પણ શહીદ થયા હતા.
પાકિસ્તાનની આ કાયર હરકતોનો જવાબ આપવા માટે બીએસએફએ પણ આક્રામક ગોળીબાર કર્યો હતો. જેને પગલે પાકિસ્તાને બીએસએફને ફોન કર્યો હતો અને ગોળીબાર ન કરવાની વિનંતી કરી હતી. પાકિસ્તાને બીએસએફને જણાવ્યું હતું કે તમારા જવાનોને કહો કે ગોળીબાર બંધ કરે, અમારા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે સાથે અમારા એક જવાનનું પણ મોત નિપજ્યું છે. અત્યાર સુધી જે પાકિસ્તાન યુદ્ધ વિરામનો ભંગ કરતું હતું તે હવે અચાનક યુદ્ધ વિરામની વાતો કરવા લાગ્યું હતું.