શેમારૂમી પર ગુજરાતી ડાર્ક-કોમેડી થ્રિલર ‘શુભચિંતક’નું ડિજિટલ પ્રીમિયર જાહેર, જાણો ક્યારે OTT પર જોઈ શકશો?

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : ભારતના અગ્રણી પ્રીમિયમ ગુજરાતી મનોરંજન માટેના OTT પ્લેટફોર્મ શેમારૂમી એ બહુ અપેક્ષિત ગુજરાતી ફિલ્મ ‘શુભચિંતક’ની ડિજિટલ પ્રીમિયરની જાહેરાત કરી છે. નિસર્ગ વૈદ્યના દિગ્દર્શનમાં બનેલી આ ડાર્ક-કોમેડી થ્રિલર ફિલ્મ 18 ડિસેમ્બર 2025થી શેમારૂમી પર સ્ટ્રીમ થશે. હાસ્ય અને તણાવના અનોખા સંયોજન સાથે, ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક તાજી અને નવી શૈલી રજૂ કરે છે, જે દર્શકોને અંતિમ ક્ષણ સુધી જોડીને રાખે છે.

‘શુભચિંતક’માં માનસી પારેખ, સ્વપ્નિલ જોશી, વિરાફ પટેલ, દીપ વૈદ્ય, મહેશ બુચ, તુષારિકા રાજગુરુ, નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ અને વિયા રાઠોડ જેવા પ્રતિભાશાળી કલાકારોની મજબૂત ટીમ જોવા મળશે. ફિલ્મનું નિર્માણ પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ દ્વારા કરવામાં આવ્યું છે:, જ્યારે ધવલ ઠક્કર સહ-નિર્માતા છે.

ફિલ્મની કહાણી મેઘના નામની એક નવસીખિયા યુવતીને કેન્દ્રમાં રાખે છે, જે તેના બે સાથીદારો સાથે સંજયને હની-ટ્રેપ કરીને બદલો લેવા નીકળે છે. શરૂઆતમાં ગોઠવાયેલું આ આયોજન જલ્દી જ હાસ્યાસ્પદ ઘટનાઓ, ભાવનાત્મક ટકરાવો અને અનપેક્ષિત પરિણામોમાં ફેરવાઈ જાય છે. બદલા અને નૈતિકતાની વચ્ચે ફસાતી મેઘનાની આ યાત્રા દર્શાવે છે કે બદલો ખરેખર શાંતિ આપે છે કે પછી વધુ વિનાશ સર્જે છે.

ફિલ્મ વિશે વાત કરતાં અભિનેત્રી-નિર્માતા માનસી પારેખે જણાવ્યું, “‘શુભચિંતક’ એક ઝડપી ગતિ ધરાવતી ડાર્ક-કોમેડી થ્રિલર છે, જે ગુજરાતી સિનેમાને સંપૂર્ણપણે નવો સ્વાદ આપે છે. શેમારૂમી જેવા પ્લેટફોર્મ પર ફિલ્મની પ્રીમિયર થવી અમારા માટે ખાસ આનંદની વાત છે, કારણ કે આ પ્લેટફોર્મ નવી અને પ્રયોગાત્મક કહાણીઓને એવા દર્શકો સુધી પહોંચાડે છે, જેઓ તાજી વાર્તાઓ જોવા ઇચ્છે છે. ‘કચ્છ એક્સપ્રેસ’ અને ‘ઝમકુડી’ને મળેલા ભરપૂર પ્રેમ પછી, અમે હદો આગળ ધપાવી અને એવી શૈલી અજમાવવાનો નિર્ણય કર્યો, જેને ગુજરાતી સિનેમા બહુ ઓછું સ્પર્શે છે. આ ફિલ્મ સ્વપ્નિલ જોશીનો ગુજરાતી સિનેમામાં ડેબ્યુ પણ છે, જે આ યાત્રાને વધુ ખાસ બનાવે છે. ગુજરાતી વાર્તાકથનની સીમાઓ વિસ્તૃત કરવી હંમેશા અમારું લક્ષ્ય રહ્યું છે, અને ‘શુભચિંતક’ એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.”

આ પ્રીમિયર સાથે શેમારૂમી તેના ગુજરાતી કન્ટેન્ટ કૅટલોગને વધુ મજબૂત બનાવે છે, જેમાં અર્થસભર, વૈવિધ્યસભર અને મનોરંજક કહાણીઓનો સમાવેશ થાય છે. ‘શુભચિંતક’ શેમારૂમીની સફળ ગુજરાતી ફિલ્મોની શ્રેણીમાં વધુ એક નોંધપાત્ર ઉમેરો છે, જે દર્શકોને ઉચ્ચ ગુણવત્તાની વાર્તાઓ એક ક્લિકમાં ઉપલબ્ધ કરાવે છે.

Share This Article